Gujarat Assembly session Live : AAP ધારાસભ્યો ઘાસચારો લઈને પહોંચતા જ પોલીસે રોક્યા, ખેડૂતોને પાણી આપો જેવા નારા લગાવ્યા

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં માર્ચ મહિનામાં બજેટ સત્ર મળ્યા પછી દર વખતે સપ્ટેમ્બરમાં બેઠક મળતી હોય તેમ આજે બુધવારથી ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે.જેમાંથી પહેલા દિવસે શોક પ્રસ્તાવ પછી પરંપરા મુજબ ગૃહનું કામકાજ મુલતવી રખાશે.બાકીના બે દિવસમાં બે નવા કાયદા અને 11 કાયદાઓમાં સુધારા માટે એમ કુલ મળીને 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે.બહુમતીને જોરે શાસકપક્ષ જેવો સુધારો સુચવશે તેવો પસાર પણ થઈ જશે!ચોમાસુ સત્રમાં અંદાજે 12 કલાક માટે ત્રણ તબક્કે વિધાનસભા મળશે.ત્રણેય દિવસ પ્રજાના પ્રશ્નો,સરકારી વ્યવસ્થાઓમાં ખામીઓ અને ગેરરીતિઓને ઉજાગર કરવા માટે ચૂંટાયેલા સભ્યોને એક એક કલાકનો પ્રશ્ન કાળ મળશે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભામાં પહોંચ્યા છે. વિધાનસભાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે પ્રશ્નોત્તરી કાળ શરૂ થશે.વિધાનસભા ગૃહ તેના નિયત સમય કરતાં થોડું મોડું શરૂ થયું હતું. જે 12 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ તે ચાર મિનિટ મોડુ શરૂ થયું હતુ.

ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો સવાલ

અમરેલીમાં સૌની યોજનાની કામગીરી અને ચેકડેમ ભરવા અંગે ક્યારે કામગીરી થશે તેવો સવાલ ભાજપના જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પૂછવામાં આવ્યો હતો.જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આ અંગે ઓગસ્ટ મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને ગઈકાલે જ ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, તેમજ આગામી ૧૩-૧૦-૨૦૨૬ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે જેથી ખાલી ચેકડેમ પાણીથી ભરી શકાશે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ નારા લગાવ્યા

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વિધાનસભા પ્રવેશદ્વાર પર અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત ધારાસભ્યો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા. આપના નેતાઓ અને ધારાસભ્યો ખેડૂતોને પૂરતું પાણી આપો અને ખેડૂતોને સહાય આપો ના નારા લગાવીને તથા વિરોધના પ્રતીકરૂપે હાથમાં ઘાસચારો લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરી હતી.

સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષાઃ મુખ્યમંત્રી

આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહ ખાતે પહોંચીને મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજથી શરૂ થઈ રહેલા આ સત્ર દરમિયાન ત્રણેય દિવસ સરકારી બિલોની સાથે-સાથે પ્રજાના મહત્વના પ્રશ્નો ઉપર સઘન ચર્ચા કરવામાં આવશે. સરકાર જનતાના તમામ પ્રશ્નોના ઉત્તર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ સત્ર દરેક ધારાસભ્ય માટે જનતાના પ્રશ્નો અને રજૂઆતો ગૃહમાં મૂકવા માટેનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે, જેથી ગૃહમાં ખૂબ સારી રીતે સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ Ambaji News : ભાદરવી પૂનમે 52 ગજની ધજા લઈને અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *