Gujarat News : ગાંધીનગર મનપાની ચૂંટણી બાદ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે, હાઇકમાન્ડ સાથે વાટાઘાટો ચાલુ

📅 Published: September 29, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક સમયે ભાજપના નેતા રહેલા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં. ત્યાર બાદ તેમણે કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપ્યું હતું અને પોતાની એક અલગ પાર્ટી સ્થાપી હતી. પરંતુ હવે શંકરસિંહ વાઘેલા ફરી વાર પંજાનો હાથ પકડે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસમાં જોડાશે. ગાંધીનગર મનપાની ચૂંટણી બાદ તેઓ પંજાને સમર્થન આપશે. 

મોવડી મંડળ સાથે શંકરસિંહ વાઘેલાની વાટાઘાટો ચાલુ 

તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી રણદીપ સુરજેવાલા રાજ્યના પ્રવાસે આવ્યા હતાં. તેઓ આ દરમિયાન શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની વિગતો સામે આવી છે. શંકરસિંહને ફરી કોંગ્રેસમાં લાવવા માટે સુરજેવાલાની મોટી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાનું યોગદાન રહેલું છે. કોંગ્રેસના ઉમેદવારો લાવવામાં પણ તેમની ભૂમિકા હોવાનું કહેવાય છે. શંકરસિંહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે શંકરસિંહ વાઘેલાની વાટાઘાટો ચાલુ છે. 

શંકરસિંહ કોંગ્રેસમાં આવે તે માટે સકારાત્મક વિચારણા

કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું હતું કે, અમારા હાઈકમાન્ડે શંકરસિંહ કોંગ્રેસમાં આવે તે માટે સકારાત્મક વિચારણા શરૂ કરી છે. કોંગ્રેસમાં ભાજપ વિરોધી વિચારધારા ધરાવતા તમામનું સ્વાગત છે. હાલમાં આખા દેશમાં ભાજપ વિરોધી વાતાવરણ છે. લોકોમાં ભાજપ સામે જોરદાર આક્રોશ છે.પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા પક્ષમાં પરત ફરે તો કોંગ્રેસને ફાયદો થશે. એક સમયે તેમનાથી કોંગ્રેસને નુકસાન પણ થયું હતું. રાજનીતિમાં એક પ્રકારે નિર્ણય થતા હોય છે. મારી પાસે તેઓ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી. થોડા દિવસ પહેલા જ શંકરસિંહે નવી પાર્ટી સ્થાપવા માટે જાહેરાત કરી હતી. 

આ પણ વાંચોઃ Mehsana News : જયપુરથી ઇથોપિયા પહોંચ્યા પછી આવ્યો એક ખોફનાક કૉલ… જાણો વડસ્માના ઋત્વિક સાથે ત્યાં શું બન્યું?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *