અમદાવાદ ખાતે ગુજરાત પોલીસ દ્વારા સેન્ટિનેલ ઇનોવેશન હેકાથોન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં કાર્યરત તમામ સીસીટીવી કેમેરાને એક જ સમાન પ્લેટફોર્મ પર લાવીને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવા આ પહેલ હાથ ધરાઈ છે. આ અનોખી સ્પર્ધામાં ટેકનોલોજીકલ સોલ્યુશન શોધવા માટે રૂ. 51 લાખના માતબર ઇનામની જાહેરાત સાથે યુવાનોને આમંત્રિત કરાયા હતા.
80,000 સીસીટીવી કેમેરા સફળતાપૂર્વક એક જ પ્લેટફોર્મ પર
રાજ્યભરમાં સુરક્ષાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવાના ભાગરૂપે પ્રથમ ફેઝમાં સરકારી વિભાગના અંદાજે 80,000 સીસીટીવી કેમેરા સફળતાપૂર્વક એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે. આ તમામ કેમેરાનો વાસ્તવિક સમયમાં એક સાથે અસરકારક ઉપયોગ થઈ શકે તે હેતુથી આ મહત્વપૂર્ણ હેકાથોનનું આયોજન કરાયું હતું.
યુવા વર્ગ ટેકનોલોજી સાથે જોડાય તે માટે વિશેષ પ્રયાસો
આ પ્રોજેક્ટના પાયા તરીકે 6 મહિના પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં તમામ સિસ્ટમને એક જ મંચ પર કાર્યરત કરવા માટેનું આયોજન ઘડવામાં આવ્યું હતું. આ હેકાથોનમાં વધુમાં વધુ યુવા વર્ગ ટેકનોલોજી સાથે જોડાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના પરિણામે વિવિધ પ્રાઇવેટ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
દેશના અન્ય 17 રાજ્યોની વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો
આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય 17 રાજ્યોની વિવિધ ટીમોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપી ભાગ લીધો હતો. આ હેકાથોનની અધિકૃત વેબસાઇટ પર અંદાજે 3.5 લાખ લોકોએ વિઝિટ કરી હતી અને કુલ 7,100 સ્પર્ધકોએ સક્રિય નોંધણી કરાવી હતી. આ વિશાળ સંખ્યામાંથી ઝીણવટભરી ચકાસણી બાદ ઉત્કૃષ્ટ ક્ષમતા ધરાવતી 156 ટીમોની પસંદગી કરવામાં આવી હતી, જે ટીમો દ્વારા પડકારો સામે 1,000 જેટલા તકનીકી સોલ્યુશન રજૂ કરવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંતિમ ચરણમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 6 ટીમોને કુલ રૂ. 18 લાખના ઇનામો અને અન્ય 4 વ્યક્તિઓને રૂ. 25-25 હજારના વિશેષ પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Amit Shahનો હૂંકાર, 2029માં પ્રચંડ હારનો સામનો કરવા તૈયાર રહે રાહુલ
