Gurugram Hit and Run Case: રાજસ્થાનના દૌસાથી ઝડપાયો આરોપી કલ્યાણ બૈસલા

📅 Published: September 15, 2026 | 📂 Category: India National

ગુરુગ્રામ હિટ એન્ડ રન કેસમાં આરોપી ઝડપાઇ ગયો છે. ગુરુગ્રામ પોલીસે આરોપી કલ્યાણ બૈસલાને ઝડપી પાડ્યો છે. કલ્યાણ પર બાઇકરની હત્યાના પ્રયાસનો આરોપ છે. ગુરુગ્રામ પોલીસ બાઇક રાઇડર સિયાના ઘરે પહોંચી છે. આરોપી કલ્યાણ બૈસલા રાજસ્થાનના દૌસાથી ઝડપાયો છે.   ઘટનાના 48 કલાકમાં જ આરોપીને ઝડપી લીધો છે.  

હિટ એન્ડ રનનો વીડિયો થયો હતો વાયરલ 

ગોલ્ફ કોર્સ રોડ પર બનેલી આ ‘હિટ-એન્ડ-રન’ ઘટનાનો વીડિયો મહિલાની બાઇક પર લાગેલા કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયા પર આ ફૂટેજ વાયરલ થયા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો. વીડિયો અને સીસીટીવી ફૂટેજની તપાસના આધારે, પોલીસે કેસમાં BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ) ઉમેરી છે.

ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, ગોલ્ફ કોર્સ રોડ પર એક કાર દ્વારા મહિલા મોટરસાઇકલ સવારને ટક્કર મારતો વીડિયો વાયરલ થયા બાદ સેક્ટર-56 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઘટનાસ્થળની નજીકના કેમેરાના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવેલી હકીકતોના આધારે, કેસમાં BNSની કલમ 109 ઉમેરવામાં આવી હતી.

ત્રીજી લેનમાં આવીને કારે ટકકર મારી- બાઇકરાઇડર

મોટરસાઇકલ સવાર સિયાના જણાવ્યા અનુસાર, તે રવિવારે સવારે અન્ય રાઇડર્સના જૂથ સાથે ગોલ્ફ કોર્સ રોડ પર તેની ‘એપ્રિલિયા RS 457’ બાઇક ચલાવી રહી હતી. રાઇડ દરમિયાન, તેમની પાછળ એક કાર આવી. સિયાનો આરોપ છે કે કારમાં સવાર લોકોએ તેની સાથે અયોગ્ય વર્તન કર્યું અને થોડા અંતર સુધી તેનો પીછો પણ કર્યો.

સિયાએ જણાવ્યું કે તે ત્રીજી લેનમાં સામાન્ય ગતિએ બાઇક ચલાવી રહી હતી. રસ્તા પરના ટ્રાફિકને કારણે તેની ગતિ ધીમી હતી. તે સમયે, પાછળથી આવતી કાર ઝડપથી ત્રીજી લેનમાં આવી અને તેની બાઇક સાથે અથડાઈ. ટક્કર થતાં જ સિયા તેની બાઇક સાથે રસ્તા પર પડી ગઈ અને કેટલાક મીટર સુધી ઘસડાઈ. આ સમગ્ર ઘટના તેની બાઇક પર લાગેલા ફ્રન્ટ-ફેસિંગ કેમેરામાં રેકોર્ડ થઈ હતી. અકસ્માત બાદ સિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અને કાર સંબંધિત વિગતો શેર કરી, ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો.

સિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર એક સાથી રાઇડરે કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ચાલકને ઊભા રહેવા અને પોતાની ભૂલ સ્વીકારવા કહ્યું, પરંતુ આરોપ છે કે ચાલકે ઘટના માટે મોટરસાઇકલ સવારોને જ જવાબદાર ઠેરવ્યા હતા.

રેડ લાઈટ તોડીને ભાગી જવાનો આરોપ

ગુરુગ્રામ પોલીસે આ કેસ મામલે કલ્યાણ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં કાયદાનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં અને આરોપી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. દરમિયાન, અકસ્માતની તપાસના ભાગરૂપે ગુરુગ્રામ પોલીસે કાલકાજી સ્થિત પીડિતના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી. પોલીસ આ કેસને લગતી અન્ય વિગતોની પણ તપાસ કરી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *