Highway Toll: ટોલ પ્લાઝા થશે બેરિયર-ફ્રી, કેમેરાથી નંબર પ્લેટ સ્કેન કરી કપાશે પૈસા

📅 Published: September 15, 2026 | 📂 Category: Business

Highway Toll System: લાંબી મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનો ઘણીવાર મુસાફરીની મજા બગાડી દે છે. પરંતુ હવે ટૂંક સમયમાં આ સમસ્યા દૂર થઈ શકે છે. સરકાર એવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં ટોલ ચૂકવવા માટે ગાડીની સ્પીડ ઘટાડવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આવનારા સમયમાં FASTag સાથે Automatic Number Plate Recognition (ANPR) ટેક્નોલોજીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે.

નવું સિસ્ટમ ક્યારે લાગુ થશે?

નીતિન ગડકરીએ Global Fintech Fest 2026માં જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવેના તમામ ટોલ બૂથને બેરિયર-ફ્રી બનાવવાની યોજના પર ઝડપથી કામ કરી રહી છે. આ વર્ષના ડિસેમ્બર અંત સુધીમાં 70 ટકાથી વધુ ટોલ બૂથ બેરિયર-ફ્રી થઈ જશે. જ્યારે માર્ચ 2027 સુધીમાં આ લક્ષ્યને 100 ટકા સુધી પહોંચાડવાની યોજના છે. ભારતમાં FASTagની સંખ્યા 13 કરોડને પાર પહોંચી ગઈ છે. નેશનલ હાઈવે પર FASTagની પહોંચ પણ 98 ટકાથી વધુ થઈ ગઈ છે.

ગાડી રોક્યા વગર કેવી રીતે કપાશે ટોલ?

મલ્ટી-લેન ફ્રી-ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ, આ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ 11 મે 2026ના રોજ મુંબઈના એક ટોલ પ્લાઝા પર કરવામાં આવ્યું હતું. નવી સિસ્ટમમાં ટોલ પ્લાઝા પર જૂના પ્રકારનો બેરિયર નહીં હોય. ગાડી ટોલ ઝોનમાંથી પસાર થશે ત્યારે હાઈ-ટેક કેમેરા તેની નંબર પ્લેટ સ્કેન કરશે. ત્યારબાદ લિંક કરેલા એકાઉન્ટમાંથી સીધા ટોલના પૈસા કપાઈ જશે. આથી ટોલ પ્લાઝા પર લાગતા લાંબા ટ્રાફિક જામથી રાહત મળી શકે છે.

લોકોને શું સીધો ફાયદો થશે?

નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો સામાન્ય લોકોને થશે. ગડકરીના જણાવ્યા અનુસાર, અગાઉ ટોલ પ્લાઝા પર એક ગાડીને સરેરાશ 12 મિનિટ સુધી રોકાવું પડતું હતું. નવી સિસ્ટમ લાગુ થયા બાદ આ સમય લગભગ સમાપ્ત થઈ જશે. તેનાથી લોકોનો સમય બચશે અને વાહનોનું ઈંધણ પણ ઓછું વપરાશે. એક સ્ટડીનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે ટોલ પર વાહનો નહીં રોકાય તો દર વર્ષે લગભગ ₹5,250 કરોડના ઈંધણની બચત થઈ શકે છે.

સરકારને પણ થશે મોટો ફાયદો

નવી ટેક્નોલોજી સરકાર માટે પણ ફાયદાકારક સાબિત થઈ રહી છે. FASTagના ઉપયોગથી ટોલ કલેક્શનમાં અત્યાર સુધીમાં 10 ટકાનો વધારો થયો છે. તેનાથી સરકારને લગભગ ₹7,000 કરોડની વધારાની આવક મળી છે. દેશની કુલ ટોલ આવક હવે ₹82,000 કરોડને પાર પહોંચી ગઈ છે. ગડકરીના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થયા બાદ સરકારને દર વર્ષે ₹20,000થી ₹25,000 કરોડનો સીધો ફાયદો થઈ શકે છે. ટોલ બૂથ ચલાવવાનો ખર્ચ પણ 12 ટકાથી ઘટીને માત્ર 2-3 ટકા સુધી આવી ગયો છે.

આ પણ વાંચો: રાજકોટ પાસે અમદાવાદ નેશનલ હાઈ-વે પર બનતા ટોલનાકાને કારણે રોજ બે કિલોમીટરનો ટ્રાફિક જામ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *