Himachal Pradeshમાં મેઘતાંડવ, અત્યાર સુધીમાં 224 લોકોના મોત, કરોડોનું નુકસાન

📅 Published: August 23, 2026 | 📂 Category: India National

હિમાચલ પ્રદેશમાં ચાલુ વર્ષે ચોમાસાએ ભારે તબાહી મચાવી છે. પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે રાજ્યનું જનજીવન બુરી રીતે પ્રભાવિત થયું છે. પહાડો પરથી પડતા કાટમાળ અને રસ્તાઓ ધોવાઈ જવાના કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે, પરંતુ પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ સામે પડકારો વધી રહ્યા છે.

જાનહાનિ અને આર્થિક નુકસાનનો ચિતાર

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) ના 30 જૂનથી અત્યાર સુધીના અહેવાલ મુજબ રાજ્યમાં જાનમાલનું મોટું નુકસાન નોંધાયું છે. ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં 224 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 91 મોત પૂર, ભૂસ્ખલન, પાણીમાં ડૂબી જવા અને ખડકો પડવા જેવી કુદરતી આપત્તિઓને કારણે થયા છે, જ્યારે 133 લોકોના મોત વરસાદી માહોલમાં થયેલા માર્ગ અકસ્માતોમાં થયા છે. આ સમયગાળા દરમિયાન 330 લોકો ઘાયલ થયા છે અને ૧ વ્યક્તિ હજુ પણ ગુમ છે. જિલ્લાવાર જોઈએ તો સૌથી વધુ 31 લોકોના મોત કુલ્લુમાં નોંધાયા છે. રાજ્યને અંદાજિત રૂ. 1121.30 કરોડ (₹1,12,129.57 લાખ) નું તોતિંગ નુકસાન થયું છે. અનેક મકાનો, દુકાનો, ગૌશાળાઓ અને જાહેર મિલકતોનો નાશ થયો છે. અહેવાલ મુજબ 441 પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે.

માળખાગત સુવિધાઓ પર ગંભીર અસર

ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર અને પ્રાથમિક સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. 23 ઓગસ્ટની સવાર સુધીમાં રાજ્યભરમાં 149 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે. માત્ર એક જ રાતમાં નવા 51 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. સૌથી વધુ 86 રસ્તાઓ મંડી જિલ્લામાં બંધ છે, તે ઉપરાંત શિમલામાં 10 અને કાંગડા-ચંબામાં 8-8 રસ્તાઓ પ્રભાવિત છે. 60 જેટલા પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર (DTR) ખોટવાયા છે, જેમાં મંડીમાં ૨૫ અને ચંબામાં 20નો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યની 35 જેટલી પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે.

હવામાન વિભાગની આગામી ચેતવણી

શિમલા હવામાન કેન્દ્ર દ્વારા આગામી સમય માટે ચેતવણી જારી કરવામાં આવી છે. શિમલા, કાંગડા, મંડી અને ચંબા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને નદીઓ, નાળાઓ અને ભૂસ્ખલનની શક્યતા ધરાવતા સંવેદનશીલ વિસ્તારોથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે.ખરાબ હવામાન, લપસણા રસ્તાઓ અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને અત્યંત સાવચેતી રાખવા જણાવાયું છે. હાલમાં સંબંધિત વિભાગો દ્વારા રસ્તાઓ અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ New Zealandમાં ભારતીય યુવતીએ માંગી 8 દિવસની રજા, ન્યુઝીલેન્ડ બોસે કહ્યું જાવ અને ખૂબ મજા કરો ફરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *