સામાન્ય રીતે કોઇપણ IAS અધિકારી હંમેશા ધીર-ગંભીર હાવભાવ સાથે જોવા મળતા હોય છે પણ છોટા ઉદેપુરના મહિલા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો અનોખો મિજાજ જોવા મળ્યો. તેઓ સાડી પહેરીને બોડેલીના રસ્તા પર દોડતાં જોવા મળ્યાં. એટલું જ નહીં રોડ પર બેસીને સંગીતના તાલે પણ ઝૂમ્યા હતા. 4 દિવસ પહેલાં એટલે કે 19મી ઓગસ્ટે બોડેલીમાં સાડી દોડ યોજાઇ હતી. જેમાં 7 તાલુકાની 7 વર્ષની બાળકીથી માંડીને 70 વર્ષની 1500 મહિલાઓ જોડાઇ હતી. દોડવીરોનો ઉત્સાહ વધારવા ખુદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને તેમાં જોડાઇને દોટ મૂકી હતી. બોડેલી સેવા સદનથી અલીપુરા ચાર રસ્તા સુધી એક કિલોમીટરની દોડ યોજાઇ હતી. જે દરમિયાન મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે વિવિધ કાર્ટૂન કેરેક્ટર અને ડીજેની વ્યવસ્થા કરાઇ હતી. દોડ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સહિત તમામ મહિલાઓ સંગીતના તાલે ઝૂમીને આનંદ માણ્યો હતો. આ અંગે ગાર્ગી જૈને દિવ્ય ભાસ્કર સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ 8 ફ્રેબ્રુઆરીએ પણ બોડેલીમાં મેરેથોનનું આયોજન કર્યું હતું. દર વર્ષે એક વખત મેરેથોન રાખવાનો પ્લાન છે. SDM અને મામલતદાર પણ દોડ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રાઇવેટ એજન્સીઓ મોટા મોટા શહેરોમાં મેરેથોન યોજે છે. છોટા ઉદેપુર તો આદિવાસી જિલ્લો છે. અહીંયા મેરેથોનનું આયોજન નહીં કરે કેમ કે ખાનગી પાર્ટીને તેમાં કોઇ ફાયદો નથી. અમારા બાળકો ક્યાંય દોડવા જઇ શકતા નથી તો આ લોકો માટે સરકારી વહીવટી તંત્રએ 8 ફ્રેબ્રુઆરીએ મેરેથોન દોડ યોજી હતી. જેમાં આશરે 15 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ મેરેથોન બહુ સફળ રહી હતી તો અમને થયું કે દર વર્ષે એક વખત મેરેથોન યોજવી જોઇએ. આ વખતની મેરેથોન 13 ડિસેમ્બરે યોજાશે. જેના ભાગરૂપે જ આ પ્રિ-ઇવેન્ટ રખાઇ હતી. જેથી લોકોમાં આગામી દિવસોમાં યોજાનારી મોટી ઇવેન્ટનો પ્રચાર-પ્રસાર કરી શકાય. આ ઇવેન્ટમાં દરેક મહિલાઓ સાડી પહેરીને દોડી હતી. જેમાં હું તથા ક્લાસ-1, SDM તેમજ મામલતદાર તથા અલગ અલગ વિભાગની મહિલાઓ વગેરે હતા. આ દોડમાં સ્થાનિક મહિલાઓ પણ હતી. દોડમાં તમારો નંબર કયો આવ્યો તેવા પ્રશ્નના જવાબમાં તેમણે હાસ્ય સાથે જણાવ્યું કે, મારો કોઇ નંબર નથી આવ્યો. હું બધાંની જોડે એમ જ દોડી રહી હતી. મને મજા આવતી હતી. સાડી પહેરીને દોડવામાં કોઇને કોઇ પડકાર ન હતો. બધાંએ એન્જોય કર્યું હતું. દોડમાં અનિતાબેન રાઠોડે પ્રથમ નંબર, રશ્મિકાબેન બારિયાએ બીજો નંબર અને સંધ્યાબેન રાઠવાએ ત્રીજો નંબર મેળવ્યો હતો. ધારાસભ્ય અભેસિંહ તડવી, શિક્ષણશાસ્ત્રી ડૉ. તનુ જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગર, ડીડીઓ સચિન કુમાર અને તાલુકા પંચાયત પ્રમુખ હેમલત્તાબેન કોલી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. પૂર્વ IPS કિરણ બેદીએ પ્રશંસા કરી
ગાર્ગી જૈને જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી આદિવાસી બાળકીઓનો સ્કૂલ ડ્રોપ રેશિયો 60% ઘટ્યો છે. આ અંગે કિરણ બેદીએ 21મી તારીખે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે સ્કૂલ ડ્રોપ રેશિયો ઘટવા બદલ ગાર્ગી જૈનની પ્રશંસા કરી હતી અને લખ્યું હતું કે તે મેડમ કલેક્ટરથી કલેક્ટર દીદી બની ગયા છે.
IASનો આવો અંદાજ નહીં જોયો હોય!:છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર સાડી પહેરીને રોડ પર દોડ્યા, કહ્યું- મારો કોઇ નંબર ના આવ્યો પણ મજા બહુ આવી
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
