આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગામી નવ વર્ષનો કાર્યક્રમ લગભગ નક્કી થઈ ગયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઇન્ડોનેશિયાના બાલીમાં મળેલી બેઠક બાદ 2028થી 2035 સુધીની મોટી પુરુષ ટૂર્નામેન્ટનું સમયપત્રક જાહેર કર્યું છે. આ જાહેરાત ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખાસ છે, કારણ કે ભારતને 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031ના વનડે વર્લ્ડ કપની યજમાની મળી છે. આ ઉપરાંત 2030માં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ સાથે મળીને T20 વર્લ્ડ કપ યોજશે. ICCએ લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટ માટેના અંતિમ ક્વોલિફાયરની તારીખો અને સ્થળ પણ જાહેર કર્યા છે.
ભારતને બે મોટી ટૂર્નામેન્ટની યજમાની
ભારત 2029માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે. આ ટૂર્નામેન્ટ 9થી 28 ઓક્ટોબર દરમિયાન રમાશે. ત્યારબાદ 2031માં ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે વનડે વર્લ્ડ કપનું આયોજન કરશે. આ ટૂર્નામેન્ટ 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી રમાશે. ભારત માટે આ બંને ટૂર્નામેન્ટ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને 2031નો વર્લ્ડ કપ ભારતીય ઉપખંડમાં યોજાવાથી ક્રિકેટ ચાહકોને મોટી સ્પર્ધા જોવાની તક મળશે. જોકે બંને ટૂર્નામેન્ટનાં ચોક્કસ મેદાનો અને મેચોની યાદી અંગેની વિગતો અલગથી જાહેર થવાની બાકી છે.
2028થી 2035 સુધીનું ICC કેલેન્ડર
ICCએ આગામી વર્ષો માટે મુખ્ય ટૂર્નામેન્ટની તારીખો અને યજમાન દેશો જાહેર કર્યા છે. 2032, 2033, 2034 અને 2035ની કેટલીક સ્પર્ધાઓના યજમાન હજુ નક્કી થયા નથી.

ઓલિમ્પિક્સમાં ક્રિકેટ માટે ક્વોલિફાયર
2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી થવાની છે. તેના માટે અંતિમ ક્વોલિફાયર પણ નક્કી કરવામાં આવ્યા છે. પુરુષોની ક્વોલિફાયર સ્પર્ધા 5થી 13 ફેબ્રુઆરી, 2028 દરમિયાન અમેરિકામાં રમાશે, જ્યારે મહિલાઓની ક્વોલિફાયર 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન બાંગ્લાદેશમાં યોજાશે. બંને સ્પર્ધામાં આઠ-આઠ ટીમ ભાગ લેશે. ટીમોને બે જૂથમાં વહેંચવામાં આવશે. દરેક જૂથની વિજેતા ટીમ ફાઇનલ રમશે અને ફાઇનલ જીતનારી ટીમ ઓલિમ્પિક્સની અંતિમ ક્વોલિફિકેશન જગ્યા મેળવશે.
વર્લ્ડ કપ ક્વોલિફિકેશનમાં પણ ફેરફાર
ICCએ 2027ના પુરુષ વનડે વર્લ્ડ કપ માટેની ક્વોલિફાયર સ્પર્ધાનું માળખું પણ મંજૂર કર્યું છે. ફેબ્રુઆરી અને માર્ચ 2027માં યોજાનારી આ સ્પર્ધામાં 10 ટીમ વચ્ચે 23 મેચ રમાશે. બે જૂથમાં પાંચ-પાંચ ટીમ રહેશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે. આ સ્પર્ધામાંથી ચાર ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. બીજી તરફ, 2028ના પુરુષ T20 વર્લ્ડ કપ માટે 16 ટીમની ગ્લોબલ ક્વોલિફાયર સ્પર્ધા યોજાશે. તેમાં 31 મેચ રમાશે અને આઠ ટીમ વર્લ્ડ કપમાં સ્થાન મેળવશે.
ICCના CEO સંજોગ ગુપ્તાએ જણાવ્યું કે લાંબા ગાળાનું સમયપત્રક જાહેર થવાથી ખેલાડીઓ અને સભ્ય દેશોને તૈયારી, ખેલાડીઓના વિકાસ અને સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો: IND VS PAK: પાકિસ્તાન સામેની રોમાંચક જીત બાદ ઉજવણી, વિવાદો બાદ યુવા ટીમના સમર્થનમાં આવ્યું BCCI
