સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. ઈડર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગ્રામ્ય વિસ્તારના રોડ પર દરોડો પાડીને ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરેલી લક્ઝુરિયસ ટાટા હેરીયર કાર ઝડપી પાડી હતી. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો. પોલીસે કારમાંથી રૂપિયા 2 લાખ 70 હજારથી વધુની કિંમતનો અંગ્રેજી દારૂ કબ્જે કર્યો છે.
ટુ-વ્હીલરથી કરાતું હતું પાયલોટિંગ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે દારૂથી ભરેલી કારને સલામત રીતે પસાર કરાવવા માટે ટુ-વ્હીલર ચાલકો આગળ પાયલોટિંગ કરી રહ્યા હતા. પોલીસની નાકાબંધી અને કડક કાર્યવાહી જોઈને પાયલોટિંગ કરનાર બે ટુ-વ્હીલર ચાલકો અને હેરીયર કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કારમાં સવાર અન્ય એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
રૂ.14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ઈડર પોલીસે દારૂનો જથ્થો અને મોંઘીદાટ લક્ઝુરિયસ કાર મળીને કુલ રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ફરાર થઈ ગયેલા કાર ચાલક તેમજ પાયલોટિંગ કરનારા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં ક્યાંથી ભરાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઈડર પોલીસે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
