ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝની શરૂઆત 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં થઈ છે. મેચ પહેલાં ટોસ દરમિયાન ભારતીય ટીમની પ્લેઇંગ-11 સામે આવતાં જ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. યુવા બેટર વૈભવ સૂર્યવંશીને આ મેચમાં સ્થાન મળ્યું નથી. તેની જગ્યાએ સંજુ સેમસને ટીમમાં વાપસી કરી છે.ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ સમયે પ્લેઇંગ-11ની જાહેરાત કરી હતી. તેમાં વૈભવ સૂર્યવંશીનું નામ ન હોવાથી સ્ટેડિયમમાં હાજર ચાહકોને નિરાશા થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વૈભવના આક્રમક બેટિંગની ભારે ચર્ચા થઈ રહી છે અને ચાહકો તેની રમત જોવા માટે પણ ઉત્સુક હતા.
સંજુ સેમસનની વાપસીથી વૈભવને બહાર બેસવું પડ્યું
વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માંથી બહાર રાખવાનું મુખ્ય કારણ સંજુ સેમસનની વાપસી છે. સેમસનને આ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.બીજી તરફ વૈભવે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી.ઝિમ્બાબ્વે સામેની 3 મેચની શ્રેણીમાં વૈભવે કુલ 151 રન બનાવ્યા હતા. તેણે 2 અડધી સદી પણ ફટકારી હતી. તેની બેટિંગ સરેરાશ 50થી વધુ રહી હતી. આ પ્રદર્શન બાદ પણ અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20માં તેને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કૅપ્ટન શ્રેયસ અય્યરે પણ વૈભવને બહાર રાખવાના નિર્ણયને મુશ્કેલ ગણાવ્યો હતો. ટીમના સંયોજનને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ-11 પસંદ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
આ ખેલાડીઓને પણ સ્થાન મળ્યું નથી
વૈભવ ઉપરાંત વોશિંગ્ટન સુંદરને પણ પ્રથમ T20 માટે પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી. સુંદર ઈજામાંથી સાજા થયા બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. તેના સિવાય રવિ બિશ્નોઈ અને ઝડપી બોલર યશ ઠાકુર પણ અંતિમ 11 ખેલાડીઓમાં સામેલ નથી.બીજી તરફ ભારતીય ટીમમાં નીતિશ કુમાર રેડ્ડી અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. બંને ખેલાડીઓના સમાવેશથી ટીમની બોલિંગ અને ઓલરાઉન્ડ વિકલ્પોમાં વધુ મજબૂતી આવી છે.
અફઘાનિસ્તાન સામે ભારતનો દબદબો
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનો રેકોર્ડ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાંથી ભારતે 8 મેચ જીતી છે, જ્યારે 1 મેચનું પરિણામ આવ્યું નહોતું.આ આંકડા જોતા અફઘાનિસ્તાન સામે ભારતનો દબદબો સ્પષ્ટ જોવા મળે છે. જોકે T20 ક્રિકેટમાં એકાદ મેચનું પરિણામ બદલાઈ શકે છે, તેથી પ્રથમ મેચમાં બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળવાની આશા છે.વૈભવ સૂર્યવંશીને પ્રથમ મેચમાં બહાર રાખવામાં આવ્યો હોવા છતાં શ્રેણીની આગામી મેચોમાં તેને ફરી તક મળી શકે છે. ઝિમ્બાબ્વે સામેના તેના તાજેતરના પ્રદર્શનને જોતા ટીમ મેનેજમેન્ટ માટે તેને લાંબા સમય સુધી બહાર રાખવાનો નિર્ણય સરળ નહીં હોય.
આ પણ વાંચો- Delhi Capitalsમાં મોટો ફેરફાર, ગાંગુલી સહિત આ 4 દિગ્ગજને મળી મોટી જવાબદારી
