એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટની સ્પર્ધા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે.ક્વાર્ટર ફાઇનલના મુકાબલા બાદ 4 ટીમોએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.ભારતીય મહિલા ટીમે જાપાનને 8 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે 20 સપ્ટેમ્બરે ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરવા મેદાનમાં ઉતરી છે.બીજી તરફ બાંગ્લાદેશની ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી છે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો નાગોયાના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે.
ક્યારે શરૂ થશે ભારત-બાંગ્લાદેશ મેચ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મહિલા ક્રિકેટ સેમિફાઇનલ 20 સપ્ટેમ્બર,રવિવારે રમાશે.મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યે શરૂ થશે.આ મેચ જીતનારી ટીમ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં પ્રવેશ કરશે.ભારતીય ટીમ હાલમાં સારા ફોર્મમાં છે. થોડા દિવસ પહેલાં જ ભારતે મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો હતો અને હવે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય છે.
ક્યાં જોઈ શકાશે LIVE?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સેમિફાઇનલનું લાઇવ પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.ડિજિટલ પ્લેટફોર્મ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ પર ઉપલબ્ધ રહેશે.સોની લિવ પર એશિયન ગેમ્સ 2026ની આ મેચ માટે સત્તાવાર પ્રિવ્યૂ પણ ઉપલબ્ધ છે.
ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો શાનદાર વિજય
સેમિફાઇનલ પહેલાં ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં યજમાન જાપાનને એકતરફી મુકાબલામાં 8 વિકેટે હરાવ્યું હતું. જાપાનની ટીમ પ્રથમ બેટિંગ કરતાં માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારત તરફથી શ્રી ચરણીએ શાનદાર બોલિંગ કરતાં 4 વિકેટ ઝડપી હતી. શેફાલી વર્માએ પણ 2 વિકેટ મેળવી હતી. ત્યારબાદ માત્ર 5 ઓવરમાં ભારતે 58 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્માએ માત્ર 15 બોલમાં અણનમ 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ પણ સેમિફાઇનલમાં
બાંગ્લાદેશ ક્વાર્ટર ફાઇનલમાં ચીન સામેની મેચ વરસાદ અને ભીના મેદાનને કારણે રદ થયા બાદ સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. ટૂર્નામેન્ટના નિયમો અને સીડિંગના આધારે બાંગ્લાદેશને આગળ વધવાની તક મળી હતી. હવે તેની સામે ભારતનો પડકાર છે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થોડા દિવસ પહેલાં મહિલા એશિયા કપની સેમિફાઇનલમાં પણ મુકાબલો થયો હતો, જેમાં ભારતે 40 રનથી જીત મેળવી હતી. હવે એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં બંને ટીમો ફરી સામસામે આવશે.
આ પણ વાંચો –Adam Zampaએ શેન વોર્નનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ, આ ખાસ ક્લબમાં સામેલ થયો
