IND vs JAP: મેદાન પર જોરદાર ડ્રામા, છેલ્લી ઓવરમાં અમ્પાયરે બદલ્યો વાઈડનો નિર્ણય, 2 રનથી જીતેલી મેચમાં મોટો વિવાદ

📅 Published: September 22, 2026 | 📂 Category: cricket

વરસાદને કારણે ભારત અને જાપાન વચ્ચેની ઐતિહાસિક મેચ માત્ર 5-5 ઓવરની રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ શરૂઆત ખરાબ રહી. અભિષેક શર્મા પહેલી જ બોલે આઉટ થયો હતો. સંજુ સેમસને 9 અને ઈશાન કિશને 3 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐયરે 16 રન કરીને ભારતનો સ્કોર 5 ઓવરમાં 4 વિકેટે 32 રન સુધી પહોંચાડ્યો હતો. જાપાનને જીતવા માટે 33 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જાપાનના કેપ્ટન કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગે 12 અને બેન્જામિન ઈટો-ડેવિસે 9 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી હતી. અંતિમ ઓવરમાં અક્ષરના બોલને વાઈડ આપતાં વિવાદ થયો અને અમ્પાયરોએ નિર્ણય બદલી દીધો હતો.

અંતિમ ઓવરમાં વાઈડના નિર્ણયથી વિવાદ

મેચની સૌથી ચર્ચાસ્પદ ઘટના જાપાનની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં બની. અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો અને જાપાનને જીતવા માટે 8 રનની જરૂર હતી. ઓવરના ત્રીજા બોલ પર અમ્પાયર ક્રિસ થર્ગેટે અક્ષરના બોલને વાઈડ જાહેર કર્યો. આ નિર્ણય બાદ અક્ષરે અમ્પાયર સાથે વાત કરી અને શ્રેયસ ઐયર પણ ત્યાં પહોંચ્યો. ત્યારબાદ અમ્પાયરોએ બોલને વાઈડ નહીં ગણવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ. મેચમાં થર્ડ અમ્પાયર અને ડીઆરએસની સુવિધા ન હોવાથી મેદાન પરના અમ્પાયરોના નિર્ણય પર જ બધું નિર્ભર હતું. કેટલાક દર્શકોએ વાઈડનો નિર્ણય બદલવા અંગે સવાલો ઉઠાવ્યા, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે બેટર બોલ પહેલાં જ શોટ બદલતો હોવાથી બોલને વાઈડ આપવો યોગ્ય નહોતો.

છેલ્લા બોલ સુધી જાપાને આપી ટક્કર

અંતિમ ઓવરમાં જાપાનને છેલ્લા બોલે 4 રનની જરૂર હતી. અક્ષરે એ બોલ પર માત્ર 1 રન આપ્યો અને ભારતે 2 રનથી મેચ જીતી લીધી. જાપાનની ટીમ 5 ઓવરમાં 3 વિકેટે 30 રન બનાવી શકી. ભારતે 32 રન બનાવ્યા હતા, તેથી મેચનો અંત ખૂબ જ નજીક રહ્યો. આ ભારત અને જાપાન વચ્ચેની પ્રથમ પુરુષ T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ એશિયન ગેમ્સની તૈયારી માટે પણ આ મેચ બંને ટીમો માટે મહત્વની હતી.

આ પણ વાંચો: IPL: સટ્ટાબાજીના રૂ.28 કરોડના કનેક્શનનો પર્દાફાશ, ગુવાહાટીના બુકીની EDએ કરી ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *