ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલે પોતાની શાનદાર ફિલ્ડિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા જુરેલે હવામાં ડાઇવ લગાવીને એક હાથે અદભુત કેચ પકડ્યો હતો. તેના આ કેચને કારણે ભારતને ન્યૂઝીલેન્ડના બેટર હેનરી નિકોલ્સની મહત્વપૂર્ણ વિકેટ મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જુરેલનો અદભુત કેચ જોઈને નિકોલ્સ પણ દંગ
ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગમાં 175 રનની અણનમ ઇનિંગ રમનાર હેનરી નિકોલ્સ બીજી ઇનિંગમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય બોલરોએ બીજી ઇનિંગમાં નિકોલ્સ સામે ખાસ રણનીતિ અપનાવી હતી.પ્રસિદ્ધ કૃષ્ણાએ ઇનિંગની 23મી ઓવરના પ્રથમ બોલ પર બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો હતો. નિકોલ્સે આ બોલને લેગ સાઇડ તરફ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ તેના બેટની અંદરની કિનારી સાથે અથડાઈને થાઇ પેડ પર વાગ્યો હતો. ત્યારબાદ બોલ હવામાં ઉછળીને શોર્ટ લેગ તરફ ગયો હતો.ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા ધ્રુવ જુરેલે જરા પણ સમય બગાડ્યા વગર આગળની તરફ હવામાં ડાઇવ લગાવી હતી અને પોતાના જમણા હાથે અદભુત કેચ પકડી લીધો હતો. જુરેલનો આ કેચ જોઈને નિકોલ્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કેચ પકડાતાં જ તેને પોતાની વિકેટ ગુમાવ્યાનો અહેસાસ થઈ ગયો હતો.
બેટિંગ બાદ ફિલ્ડિંગમાં પણ જુરેલનો જલવો
ધ્રુવ જુરેલે માત્ર ફિલ્ડિંગમાં જ નહીં, પરંતુ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વેલિંગ્ટન ટેસ્ટમાં તેને બેટર તરીકે રમવાની તક મળી હતી અને તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.ભારતની પ્રથમ ઇનિંગમાં જુરેલે આક્રમક અંદાજમાં 78 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ ઇનિંગને કારણે ભારતીય ટીમને મોટો સ્કોર બનાવવામાં અને ન્યૂઝીલેન્ડ સામે 350થી વધુ રનની લીડ મેળવવામાં મદદ મળી હતી.આમ, જુરેલે પહેલા બેટથી રન બનાવીને ટીમને મજબૂતી આપી અને ત્યારબાદ ફિલ્ડિંગમાં શાનદાર કેચ પકડીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી.
સોશિયલ મીડિયા પર VIDEOની ચર્ચા
ધ્રુવ જુરેલના આ અદભુત કેચનો વીડિયો ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડના બેટર્સ પર દબાણ બનાવી રહ્યા હતા, તો બીજી તરફ જુરેલની ચપળ ફિલ્ડિંગે ટીમને મહત્વની સફળતા અપાવી હતી.બેટિંગ અને ફિલ્ડિંગ બંનેમાં યોગદાન આપીને જુરેલે આ ટેસ્ટ મેચમાં પોતાની ઉપયોગિતા સાબિત કરી છે.
આ પણ વાંચો- Sandpapergate Controvers : ‘મને સૅન્ડપેપર કાંડની કોઈ જાણ નહોતી’, 2018ના વિવાદ પર ડેરેન લેહમેનનો મોટો ખુલાસો
