IND VS SL: દિલ્હીમાં પ્રદૂષણનો ડર કે સ્ટેડિયમનું કામ? ભારત-શ્રીલંકાની પ્રથમ ODIનું સ્થળ બદલાયું

📅 Published: November 5, 2026 | 📂 Category: cricket

ભારત અને શ્રીલંકા વચ્ચે ડિસેમ્બરમાં રમાનારી વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ મોટો ફેરફાર થયો છે. બંને ટીમો વચ્ચે 13 ડિસેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ વનડે હવે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. BCCIએ 5 નવેમ્બરે આ ફેરફારની સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે મેચની તારીખ અને સમય યથાવત્ રાખવામાં આવ્યાં છે. 

BCCIએ કેમ બદલ્યું મેચનું સ્થળ?

દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)એ BCCIને આ મેચ દિલ્હીમાંથી અન્ય સ્થળે ખસેડવાની વિનંતી કરી હતી. BCCI સચિવ દેવજીત સાઇકિયાએ જણાવ્યું હતું કે સ્ટેડિયમમાં સંભવિત હવામાન સંબંધિત મુશ્કેલીઓ અને નવીનીકરણના કામને ધ્યાનમાં રાખીને સ્થળ બદલવામાં આવ્યું છે. જોકે આ નિર્ણય પાછળ દિલ્હીના પ્રદૂષણની ચિંતા પણ એક મહત્વનું કારણ હોવાનું સામે આવ્યું છે. નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન દિલ્હીની હવાની ગુણવત્તા ઘણીવાર ખરાબ થઈ જાય છે. DDCAએ અગાઉ પ્રદૂષણ અને સ્ટેડિયમમાં ચાલી રહેલા નવીનીકરણના કામનો ઉલ્લેખ કરીને મેચ ખસેડવાની વિનંતી કરી હતી. 

2017માં પણ ખેલાડીઓને થઈ હતી મુશ્કેલી

દિલ્હીમાં શિયાળા દરમિયાન પ્રદૂષણને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અગાઉ પણ મુશ્કેલી સર્જાઈ ચૂકી છે. ડિસેમ્બર 2017માં ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન હવાની ગુણવત્તા ખરાબ હોવાને કારણે શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ મેદાન પર જ પરેશાન થયા હતા. કેટલાક ખેલાડીઓને ઊલટી પણ થઈ હતી. આ ઘટનાએ દિલ્હીમાં શિયાળા દરમિયાન ક્રિકેટ રમાડવા અંગે સવાલો ઊભા કર્યા હતા. 

હવે વિશાખાપટ્ટનમમાં પ્રથમ મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. પ્રથમ મેચ 13 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં, બીજી મેચ 16 ડિસેમ્બરે બેંગલુરુમાં અને ત્રીજી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે. ત્રણેય વનડે બપોરે 2 વાગ્યે શરૂ થશે.

વનડે સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે 3 મેચની T20 સિરીઝ પણ રમાશે. તેની શરૂઆત 22 ડિસેમ્બરે રાજકોટથી થશે. બીજી મેચ 24 ડિસેમ્બરે કટક અને ત્રીજી મેચ 27 ડિસેમ્બરે પુણેમાં રમાશે. ત્રણેય T20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: KL Rahulએ અથિયાને ખોળામાં બેસાડીને શેર કરી રોમેન્ટિક તસવીર, સુનીલ શેટ્ટીએ પણ જીત્યું દિલ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *