ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 3 મેચની ODI સિરીઝ હવે અંતિમ મુકાબલા સુધી પહોંચી ગઈ છે. ભારતે શરૂઆતની બંને મેચ જીતીને સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. હવે સિરીઝની ત્રીજી અને અંતિમ ODI 3 ઓક્ટોબરે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં રમાવાની છે. જોકે મેચ પહેલાં વેસ્ટ ઇન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફોર્મમાં ચાલી રહેલો ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ ત્રીજી ODIમાંથી પણ બહાર થઈ ગયો છે.
ગ્રીવ્સે પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
ગ્રીવ્સે સિરીઝની પ્રથમ મેચમાં ભારત સામે શાનદાર બેટિંગ કરતાં પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તિરુવનંતપુરમમાં રમાયેલી આ મેચમાં તેણે 108 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. જોકે આ ઇનિંગ દરમિયાન જ તેને પગની પિંડીમાં ઈજા થઈ હતી. ઈજાની અસર એટલી હતી કે સદી ફટકાર્યા બાદ પણ તે દોડવામાં મુશ્કેલી અનુભવતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ભારતીય ઇનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરવા પણ મેદાન પર આવ્યો નહોતો
બીજી ODI પણ રમી શક્યો નહોતો
પ્રથમ મેચ દરમિયાન થયેલી પિંડીની ઈજાને કારણે જસ્ટિન ગ્રીવ્સને ગુવાહાટી ખાતે રમાયેલી બીજી ODIમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તે સમયે ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ગ્રીવ્સ પિંડીની ઈજાને કારણે બીજી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ત્રીજી ODI પહેલાં પણ તેની ફિટનેસ અંગે સવાલો હતા.હવે તાજા અહેવાલો અનુસાર ગ્રીવ્સ સમયસર સંપૂર્ણપણે ફિટ થઈ શક્યો નથી. પરિણામે ન્યૂ ચંડીગઢમાં યોજાનારી ત્રીજી અને અંતિમ ODIમાં પણ તે વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ભાગ નહીં બને.
વેસ્ટ ઇન્ડિઝના બેટિંગ કોમ્બિનેશન પર અસર
ગ્રીવ્સની ગેરહાજરીથી વેસ્ટ ઇન્ડિઝના બેટિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડશે. પ્રથમ મેચમાં તેણે જોન કેમ્પબેલ સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી અને બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી થઈ હતી. ગ્રીવ્સે આ ઇનિંગ દરમિયાન 101 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેની જગ્યાએ કેસી કાર્ટીને તક મળી હતી. હવે ત્રીજી ODIમાં પણ ટીમ મેનેજમેન્ટ તેની પસંદગી કરી શકે છે. જોકે અંતિમ પ્લેઇંગ-11ની સત્તાવાર જાહેરાત મેચ પહેલાં જ થશે.
ભારતની નજર સિરીઝમાં ક્લીન સ્વીપ પર
ભારતે પ્રથમ ODIમાં વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં ગ્રીવ્સે સદી ફટકારી હોવા છતાં ભારતે વેસ્ટ ઇન્ડિઝના 295 રનના સ્કોરનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. વિરાટ કોહલીએ અણનમ 139 રન અને શુભમન ગિલે 110 રનની ઇનિંગ રમી હતી બીજી ODIમાં વેસ્ટ ઇન્ડિઝે 406 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ ભારતે આ લક્ષ્યાંક પણ હાંસલ કરીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી હતી. હવે ત્રીજી મેચમાં ભારતીય ટીમ સિરીઝ 3-0થી પૂર્ણ કરવા મેદાનમાં ઉતરશે. વેસ્ટ ઇન્ડિઝ માટે આ મેચમાં ગ્રીવ્સની ગેરહાજરી વધુ એક પડકાર બની રહેશે.
આ પણ વાંચો – IND vs PAK Gold Medal Match: મોહસિન નકવી રહેશે હાજર? ફાઇનલ પહેલાં મોટું અપડેટ
