ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. શ્રેણીની ચોથી મેચ આજે રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ઇન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં શાનદાર વિજય મેળવ્યા બાદ, સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં કેપ્ટનશીપ સંભાળી રહેલા શ્રેયસ અય્યરની સેના આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે. બીજી તરફ, વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ મેચ જીતીને શ્રેણી 2-2થી સરભર કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.
આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલાં ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ચર્ચા તેજ થઈ ગઈ છે. યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ફરી એકવાર પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે, જ્યારે ફોર્મમાં ચાલી રહેલા સંજુ સેમસન પર ટીમ મેનેજમેન્ટ ફરી મોટો ભરોસો મૂકી શકે છે.
શું સંજુ સેમસન અને અભિષેક શર્મા ફરી ઓપનિંગ કરશે?
હૈદરાબાદ T20માં ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા સાથે સંજુ સેમસન ઇનિંગની શરૂઆત કરે તેવી પ્રબળ શક્યતા છે. સંજુ આ મેચમાં વિકેટકીપરની મુખ્ય જવાબદારી પણ નિભાવશે, જેના કારણે યુવા વૈભવ સૂર્યવંશીને પોતાની તકની લાંબી રાહ જોવી પડી શકે છે.ટીમનો બેટિંગ ઓર્ડર ઘણો મજબૂત દેખાઈ રહ્યો છે. ત્રીજા ક્રમે ડેશિંગ બેટ્સમેન ઈશાન કિશન અને ચોથા ક્રમે કેપ્ટન શ્રેયસ અય્યર મોરચો સંભાળશે. મિડલ ઓર્ડરની જવાબદારી તિલક વર્મા, નમન ધીર અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીના ખભા પર રહેશે. ખાસ કરીને તિલક વર્મા માટે આ મેચ ખૂબ જ ભાવુક અને મહત્વપૂર્ણ છે, કારણ કે હૈદરાબાદ તેમનું હોમ ગ્રાઉન્ડ છે. લોકલ ગ્રાઉન્ડ અને પીચનો અનુભવ તિલકને મોટી ઇનિંગ રમવામાં મદદ કરી શકે છે.
બોલિંગ લાઇન-અપ: વિનિંગ કોમ્બિનેશન જળવાઈ રહેશે
ભારતીય ટીમની બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો તેમાં ફેરફાર થવાની શક્યતા નહિવત છે. ટીમમાં અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને અર્શદીપ સિંહ પોતાની જગ્યા જાળવી રાખશે. ઇન્દોરમાં સ્પિનર કુલદીપ યાદવના સ્થાને વધારાના ફાસ્ટ બોલરને રમાડવાનો ભારતનો જુગાર એકદમ સફળ રહ્યો હતો. આથી, હૈદરાબાદની પરિસ્થિતિને જોતા પણ મેનેજમેન્ટ આ જ વિનિંગ કોમ્બિનેશન સાથે આગળ વધવા ઈચ્છશે.
હૈદરાબાદમાં રનનો વરસાદ: શું ફરી બનશે મોટો સ્કોર?
હૈદરાબાદનું રાજીવ ગાંધી સ્ટેડિયમ હંમેશાથી બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન રહ્યું છે. તાજેતરમાં રમાયેલી IPL મેચો દરમિયાન અહીં 300 રનની નજીકનો સ્કોર પણ જોવા મળ્યો હતો. જો કે પીચને નવેસરથી તૈયાર કરવામાં આવી છે, તેમ છતાં અહીં બેટ્સમેનોને જ ફાયદો થાય તેવી આશા છે.હવામાન વિભાગ અનુસાર વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ મેચના બીજા હાફમાં ઝાકળ (Dew) મોટી ભૂમિકા ભજવી શકે છે. જો ઝાકળ પડશે તો બીજી ઇનિંગમાં બોલિંગ કરવી લોઢાના ચણા ચાવવા સમાન બનશે. આથી ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ.
વેસ્ટ ઇન્ડિઝ: શાઈ હોપ, કામિલ પૂરણ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ/ક્વેન્ટિન સેમ્પસન, રોસ્ટન ચેઝ, શમર સ્પ્રિંગર, કીમો પોલ, શમર જોસેફ, ગુડાકેશ મોતી.
આ પણ વાંચો – Shah Rukh Khan: રિંકુ-પ્રિયાનાં લગ્નમાં લાગશે દિગ્ગજોની મહેફિલ? મહેમાનોની યાદીમાં આ મોટા નામ!
