ભારતીય મહિલા ક્રિકેટમાં યુવા સ્પિનર વૈષ્ણવી શર્માએ પોતાની પ્રતિભાનો વધુ એક પુરાવો આપ્યો છે. ઝિમ્બાબ્વે સામેની ત્રીજી મહિલા ODIમાં 20 વર્ષીય વૈષ્ણવીએ શાનદાર બોલિંગ કરીને 10 ઓવરમાં માત્ર 39 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેની સ્પિન, ફ્લાઇટ અને બોલની ગતિમાં કરેલા ફેરફાર સામે ઝિમ્બાબ્વેના બેટર્સ ટકી શક્યા નહોતા. વૈષ્ણવીની આ ODI કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટની સિદ્ધિ છે.
વૈષ્ણવીની સ્પિનમાં ફસાયું ઝિમ્બાબ્વે
વડોદરામાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ 39.5 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર મોડેસ્ટર મુપાચિક્વાએ 48 બોલમાં 37 રન બનાવી ટીમ તરફથી સૌથી વધુ યોગદાન આપ્યું હતું. જોસેફિન નોમ્કોએ 35 રન બનાવ્યા, પરંતુ અન્ય બેટર્સ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા. વૈષ્ણવીએ બેલવ્ડ બિઝા, મુપાચિક્વા, ચિએડ્ઝા ધુરુરુ, મિશેલ માવુંગા અને ન્યાશા ગ્વાન્ઝુરાની વિકેટ ઝડપી હતી. મુપાચિક્વાને તેણે પોતાની ચાલાકીથી સ્ટમ્પિંગ કરાવી હતી. છેલ્લી વિકેટ પણ વૈષ્ણવીને મળી, જ્યારે ગ્વાન્ઝુરાનો આક્રમક શોટ રમવાનો પ્રયાસ નિષ્ફળ ગયો અને બોલ સ્ટમ્પ સાથે અથડાયો. ભારત તરફથી ક્રાંતિ ગૌડ અને સાયલી સટઘરેએ પણ 2-2 વિકેટ ઝડપી હતી. આમ, ભારતીય બોલરોએ મળીને ઝિમ્બાબ્વેની ઇનિંગને ઓછા સ્કોર પર સમેટી દીધી હતી.
20 વર્ષની ઉંમરે ખાસ રેકોર્ડ
વૈષ્ણવી શર્માએ 20 વર્ષ અને 314 દિવસની ઉંમરે મહિલા ODIમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે તે ODI ઇનિંગમાં પાંચ વિકેટ લેનારી બીજી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા બની છે. આ યાદીમાં દીપ્તિ શર્મા પ્રથમ સ્થાને છે. દીપ્તિએ 2016માં શ્રીલંકા સામે 18 વર્ષ અને 179 દિવસની ઉંમરે 6 વિકેટ ઝડપી હતી. વૈષ્ણવીની સિદ્ધિ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે મહત્ત્વપૂર્ણ છે.
બીજી ODIમાં પણ ઝળકી હતી વૈષ્ણવી
આ સિરીઝમાં વૈષ્ણવીનું પ્રદર્શન સતત સારું રહ્યું છે. બીજી ODIમાં પણ તેણે 39 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 121 રનથી હરાવીને ત્રણ મેચની ODI સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. આઠ મહિના બાદ ODI ટીમમાં પરત ફરેલી વૈષ્ણવીએ આ સિરીઝમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેની બોલિંગમાં ગતિ, ફ્લાઇટ અને બેટરની માનસિકતા સમજવાની ક્ષમતા ખાસ જોવા મળી છે.
આ પણ વાંચો: WPL Auction 2027: ‘6-7’ સેલિબ્રેશનથી વાયરલ થયેલી મેધાવી બિધૂરીની WPL ઓક્શનમાં એન્ટ્રી
