પોતાના ભાષણમાં તેમણે ‘શક્તિની સપ્તધારા’નું આહ્વાન કરતા ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટે સાત મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી. તેમણે દેશના યુવાનોને મોટા પરિવર્તન માટે આગળ આવવા અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા અપીલ કરી.
PM મોદીએ કહ્યું કે હવે અટકવાનો સમય નથી. દેશે પોતાની વિચારસરણી, કામ કરવાની રીત અને કામ કરવાની ગતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે જે કામ છેલ્લા પાંચથી સાત દાયકામાં થઈ શક્યા નથી, તેને આગામી પાંચથી સાત વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ. આ માટે ઝડપી નિર્ણયો, નવી ટેક્નોલોજી અને યુવાનોની શક્તિનો યોગ્ય ઉપયોગ જરૂરી છે.
વડાપ્રધાને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતે નાના-નાના ભાગોથી લઈને મોટા અને જટિલ ઉત્પાદનો સુધીનું ઉત્પાદન દેશમાં જ કરવાની ક્ષમતા વિકસાવવી પડશે. ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇન ભારતમાં તૈયાર કરવાનું લક્ષ્ય હોવું જોઈએ.
‘શક્તિની સપ્તધારા’ના સાત મુખ્ય ક્ષેત્ર
1. મેન્યુફેક્ચરિંગ:
PM મોદીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા માટે ભારતે ખર્ચ, ગુણવત્તા અને ઉત્પાદનના સ્તર એટલે કે સ્કેલમાં વૈશ્વિક ધોરણો હાંસલ કરવા પડશે.
2. કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ:
કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં ભારતીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો. ખેડૂતોની આવક વધારવા સાથે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને પણ નવી તકો સાથે જોડવાની વાત કરવામાં આવી.
3. ટેક્નોલોજી અને ઇનોવેશન:
ડિજિટલ અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી ઉપરાંત નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી. ભારતને નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં અગ્રણી બનાવવાનો સંકલ્પ વ્યક્ત થયો.
4. ગતિશક્તિ:
દેશમાં ઝડપી અને અવિરત કનેક્ટિવિટી વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. રોડ, રેલ, બંદરો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું.
5. રક્ષા શક્તિ:
ડ્રોન, સુપરસોનિક ટેક્નોલોજી સહિતની આગામી પેઢીની ડિફેન્સ ટેક્નોલોજીમાં ભારતે પોતાની ક્ષમતા વધારવી જોઈએ. આત્મનિર્ભર રક્ષા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
6. ગ્રીન અને બ્લૂ ઇકોનોમી:
ભારત પાસે ગ્રીન અને બ્લૂ ઇકોનોમી માટે વિશાળ સંસાધનો હોવાનું જણાવાયું. પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને આગળ વધારવા પર ભાર મૂકાયો.
7. ભારતનો સોફ્ટ પાવર:
યોગ, આયુર્વેદ, હોલિસ્ટિક હેલ્થ, સર્જનાત્મક ક્ષેત્રો અને પર્યટનને વૈશ્વિક ઓળખ અપાવવાની વાત કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વિશ્વ સુધી પહોંચાડવા પર પણ ભાર મૂકાયો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે વૈશ્વિક સપ્લાય ચેઇન માટે વિશ્વસનીય કેન્દ્ર બનવું પડશે. આ માટે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખર્ચ, ગુણવત્તા અને ઉત્પાદનના પ્રમાણના વૈશ્વિક માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે. ટેક્સટાઇલ, મશીનરી, દવાઓ સહિત દરેક ક્ષેત્રમાં ભારતે પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે. લુધિયાણાથી તિરુપુર સુધીના ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
