India FMCG Market: ભારતનું FMCG માર્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે. ગ્લોબલ ફૂડ અને બેવરેજ કંપની પેપ્સિકોએ હવે ભારતને લઈને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. કંપનીના ઈન્ડિયા સાઉથ એશિયા CEO જાગૃત કોટેચાએ જણાવ્યું છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત પેપ્સિકોના ટોપ-10 ગ્લોબલ માર્કેટમાં સામેલ થઈ જશે. આ માટે કંપનીએ પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે.
હવે પ્રદેશ પ્રમાણે બદલાશે પ્રોડક્ટનો સ્વાદ
પેપ્સિકો હવે સમગ્ર દેશમાં એક જ પ્રકારના પ્રોડક્ટ વેચવા પર કામ કરી રહી નથી. કંપની ભારતની વિવિધતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ પ્રદેશના સ્વાદ પ્રમાણે પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. CEO જાગૃત કોટેચાએ જણાવ્યું કે કંપની ભારતને 7 અથવા 9 અલગ-અલગ વિસ્તારોમાં વહેંચીને ત્યાંના સ્વાદ પ્રમાણે કામ કરશે. કંપનીનો મુખ્ય વિચાર છે- ભારતમાં બને, ભારત માટે બને અને ભારતીયો દ્વારા બને. કંપનીનું મુખ્ય ફોકસ ઘરેલુ બજાર પર રહેશે. જોકે ભુટાન અને શ્રીલંકા જેવા પાડોશી દેશોમાં થોડો નિકાસ ચાલુ રહેશે.
2030 સુધી ₹5,700 કરોડનું રોકાણ
પેપ્સિકો ઈન્ડિયા દેશમાં વધતા વપરાશનો લાભ લેવા માંગે છે. આ માટે કંપનીએ 2030 સુધીમાં લગભગ ₹5,700 કરોડના રોકાણનો રોડમેપ તૈયાર કર્યો છે. આ જ કડીમાં ગુરુવારે આસામના નલબારીમાં પેપ્સિકોએ પોતાનો પાંચમો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટ પાછળ ₹778 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કંપનીનો વિસ્તાર માત્ર ઉત્તર કે પૂર્વ ભારત સુધી મર્યાદિત નથી. આ પહેલાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ નવો કન્સન્ટ્રેટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. હવે દક્ષિણ ભારતમાં પકડ મજબૂત કરવા માટે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં પણ નવો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.
નવા પ્લાન્ટથી ખેડૂતોને પણ ફાયદો
આસામનો નવો પ્લાન્ટ રોજગારની દ્રષ્ટિએ પણ મહત્વનો સાબિત થઈ શકે છે. 44.2 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટથી લગભગ 700 લોકોને સીધી નોકરી મળશે. આ સાથે સ્થાનિક MSME સેક્ટરને પણ મોટો ફાયદો થશે. સૌથી મોટો ફાયદો સ્થાનિક ખેડૂતોને થવાનો છે. પેપ્સિકોને ચિપ્સ બનાવવા માટે ખાસ પ્રકારના બટાકાની જરૂર પડે છે. આ કારણે આવનારા વર્ષોમાં 5,000થી વધુ ખેડૂતોને સીધો લાભ મળી શકે છે. સાથે જ 60,000 ટન કોલ્ડ સ્ટોરેજની નવી માંગ ઊભી થશે, જેનાથી સ્થાનિક કૃષિ વ્યવસ્થા પણ મજબૂત બનશે.
ભારત હાલ ટોપ-13 માર્કેટમાં
હાલમાં ભારત પેપ્સિકોના ટોપ-13 માર્કેટ્સ છે. ભારતમાં પેકેજ્ડ ફૂડની પ્રતિ વ્યક્તિ ખપત હજુ પણ દુનિયાના ઘણા દેશોની સરખામણીમાં ઓછી છે. પેપ્સિકો આ અંતરને મોટા બિઝનેસની તક તરીકે જોઈ રહી છે. વર્ષ 2025માં પેપ્સિકો ઈન્ડિયાનું ટર્નઓવર ₹9,789 કરોડ રહ્યું હતું. જ્યારે કંપનીના બોટલિંગ પાર્ટનર વરુણ બેવરેજીસની આવક ₹15,070.7 કરોડ રહી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં કંપનીનો બિઝનેસ બેઝ મજબૂત થઈ ગયો છે. હવે ₹5,700 કરોડના નવા રોકાણ સાથે કંપની ટોપ-10 માર્કેટ બનવાના પોતાના લક્ષ્યને ઝડપથી હાંસલ કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: અમેરિકી કંપની પેપ્સિકોની પૂર્વ CEOએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, જાણો શું કહ્યું?
