India: કર્ણાટકના મંત્રીએ 25 દિવસમાં જ રાજીનામું આપ્યું, કહ્યું દલિત હોવાથી મને નિશાન બનાવ્યો

📅 Published: August 28, 2026 | 📂 Category: India National

કર્ણાટકના ચર્ચાસ્પદ મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ કૌભાંડમાં ઘેરાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા બી.નાગેન્દ્રે પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.કૌભાંડના ગંભીર આક્ષેપો અને વિપક્ષી પાર્ટી ભાજપના સતત પ્રહારો વચ્ચે તેમણે પોતાનું ત્યાગપત્ર સોંપવાનો નિર્ણય લીધો છે.રાજીનામાની જાહેરાત કરતી વખતે બી.નાગેન્દ્રે પોતાના પર લાગેલા આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા.તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે,શું વાલ્મીકિ નિગમના કોઈ પણ નાણાકીય વ્યવહારમાં મારી ક્યાંય પણ સહી છે? મને માત્ર એટલા માટે જ નિશાન બનાવવામાં આવી રહ્યો છે કારણ કે હું દલિત સમાજમાંથી આવું છું.

અસત્ય અને જૂઠાણાં ફેલાવવાનો આક્ષેપ

વિપક્ષ પર આકરા પ્રહારો કરતા નાગેન્દ્રે ઉમેર્યું હતું કે,મારા વિરુદ્ધ રોજબરોજ એક હજાર જેટલા અસત્ય અને જુઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.આ કૌભાંડમાં બેંકોની ભૂમિકા અંગે સવાલો ઉઠાવતા તેમણે જણાવ્યું કે,આ સમગ્ર મામલામાં બેંકો સામેલ હતી.જો બેંકોની સંલિપ્તતા હોય તો શું તેના માટે કેન્દ્રીય નાણામંત્રી જવાબદાર નથી? કર્ણાટકની જનતા આ બધું જ જોઈ રહી છે.આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો,મે 2024માં નિગમના એકાઉન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પી.ચંદ્રશેખરનની આત્મહત્યા બાદ 89.63 કરોડના ગેરકાયદેસર અને અનધિકૃત ટ્રાન્ઝેક્શનનો મોટો મામલો સામે આવ્યો હતો.તે સમયે આદિજાતિ કલ્યાણ મંત્રી તરીકે ફરજ બજાવતા નાગેન્દ્રે જૂન 2024માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

વિપક્ષે તેમની સામે આક્રમક મૂડ અપનાવ્યો

આ કેસ બાદ 3 ઓગસ્ટ 2026ના રોજ તેમને યોજના અને આંકડાશાસ્ત્ર વિભાગ સોંપીને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.જોકે તેમને મંત્રીમંડળમાં પરત લેતાં જ વિપક્ષી પક્ષો ભાજપ અને જેડી(એસ)એ આક્રમક વલણ અપનાવ્યું હતું.બંને પક્ષોએ તેમના રાજીનામાની માંગ સાથે વિધાનસભાથી લઈને રસ્તા સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા, એટલું જ નહીં 1 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાયચુરથી બલ્લારી સુધી પાદયાત્રા યોજવાની પણ જાહેરાત કરી દીધી હતી.વિપક્ષના સતત વધતા જતા દબાણ અને પરિસ્થિતિની ગંભીરતાને સમજીને આખરે નાગેન્દ્રે પોતે જ મંત્રીપદ છોડવાની જાહેરાત કરી દીધી. નાગેન્દ્રે જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સાથે મુલાકાત કરશે અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ એક પત્રકાર પરિષદ યોજીને વિધિવત રીતે પોતાનું રાજીનામું સોંપશે.

આ પણ વાંચોઃ Nepal Flood: ચીન-નેપાળ સરહદે બનેલો લેક ભારત માટે ખતરો! શું 72 કલાકમાં આવશે નેપાળ જેવું પૂર?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *