દેશના યુવાનોના વર્તમાન પ્રશ્નો તેમની બદલાતી માનસિકતા અને ભવિષ્યની જરૂરિયાતોને સમજીને પાર્ટીની વ્યૂહરચના ઘડી કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા આવતીકાલે,29 ઓગસ્ટના રોજ નવી દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલય ખાતે વિશેષ બેઠક બોલાવવામાં આવી છે.સવારે 10:00 વાગ્યે નીતિન નવીનની અધ્યક્ષતામાં આ મંથન બેઠકની શરૂઆત થશે.આ બેઠકમાં ભાગ લેવા માટે દેશભરમાંથી પસંદગીના 45 પ્રભાવશાળી યુવા નેતાઓને દિલ્હી દરબારમાં બોલાવવામાં આવ્યા છે.
મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવશે
પાર્ટી હાઈકમાન્ડ દ્વારા દરેક રાજ્યમાંથી બે થી ત્રણ પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી છે.આ બેઠકમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરાના સાંસદ હેમાંગ જોશી દિલ્હી પહોંચશે અને રાજ્યના યુવાનોનો અવાજ રજૂ કરશે.આ બેઠકનો મુખ્ય હેતુ દેશના યુવાનોમાં આવી રહેલા માનસિક અને સામાજિક બદલાવને નજીકથી સમજવાનો છે.બેઠક દરમિયાન દેશમાં રોજગારની નવી તકો, ગુણવત્તાયુક્ત શિક્ષણ,કૌશલ્ય વિકાસ તેમજ દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી જેવા ગંભીર અને વર્તમાન ચિંતાજનક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.ભાજપનો સ્પષ્ટ ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે આજના યુવાનો કઈ બાબતોને અને કયા પ્રશ્નોને વધુ પ્રાથમિકતા આપે છે, જેથી તેમની સાથે વધુ અસરકારક, સકારાત્મક અને સાર્થક રીતે જોડાઈ શકાય.
દિગ્ગજ અને લોકપ્રિય યુવા નેતાઓનો સમાવેશ
આ મંથન બેઠક માટે આમંત્રણ મેળવનારા નેતાઓમાં યુવા વર્ગ સાથે સીધો અને મજબૂત સંપર્ક ધરાવતા ચહેરાઓને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે.આમંત્રણ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના હેમાંગ જોશી, કેન્દ્રીય મંત્રી કમલેશ પાસવાન, પ્રખ્યાત સાંસદ રવિ કિશન, હરીશ દ્વિવેદી, કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે, ભાજપના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે, પૂર્વ સાંસદ પૂનમ મહાજન, ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને સાંસદ રાજુ બિસ્તા જેવા દિગ્ગજ અને લોકપ્રિય યુવા નેતાઓનો સમાવેશ થાય છે.આગામી સમયમાં યુવાનોને પાર્ટી સાથે જોડવા અને તેમની આકાંક્ષાઓ મુજબ નીતિઓ ઘડવા માટે આ બેઠક અત્યંત નિર્ણાયક અને માર્ગદર્શક સાબિત થઈ શકે છે.
