India News : શું ઇથેનોલના કારણે ખાંડ મોંઘી થઈ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

📅 Published: August 21, 2026 | 📂 Category: India National

છેલ્લા સપ્તાહમાં દેશમાં ખાંડના ભાવમાં વધારો નોંધાયો છે. 20 જુલાઈ 2026ના રોજ ખાંડનો ભાવ ₹48.18 પ્રતિ કિલો હતો, જે 20 ઓગસ્ટ સુધીમાં વધીને ₹55.70 પ્રતિ કિલો થયો છે. આમ એક જ મહિનામાં પ્રતિ કિલો ₹7.52નો વધારો જોવા મળ્યો છે. ભાવ વધારાને ડામવા સરકારે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખાંડના ભાવ વધારા માટે ઇથેનોલ ઉત્પાદન જવાબદાર નથી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં બે મહિનામાં ભાવ 16%થી વધુ વધ્યા

આંકડા અનુસાર, ઇથેનોલ માટે ડાયવર્ટ કરવામાં આવતી ખાંડનો હિસ્સો 2022-23માં 12% હતો જે ઘટીને 2025-26માં આશરે 9% થયો છે. ઉપરાંત, દેશમાં બનતું લગભગ પોણા ભાગનું ઇથેનોલ હવે અનાજ, ખાસ કરીને મકાઈમાંથી તૈયાર થાય છે. ચાલુ સિઝનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 306 લાખ ટન રહેવાનો અંદાજ છે. શેરડીના પાકને રોગ અને ભારે વરસાદથી નુકસાન થયું હોવા છતાં, ઓક્ટોબરમાં નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી દેશમાં પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે. વિશ્વભરમાં પણ ખાંડનો પુરવઠો ઘટવાની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં બે મહિનામાં ભાવ 16%થી વધુ વધ્યા છે. 

વેપારીઓ પર 400 ટનની સ્ટોક લિમિટ લાગુ કરી

ખાંડની સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે વેપારીઓ પર 400 ટનની સ્ટોક લિમિટ લાગુ કરી છે, જે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે 1 સપ્ટેમ્બરથી મોટા ખરીદદારો 15 દિવસથી વધુનો સ્ટોક રાખી શકશે નહીં. ઘરેલું પુરવઠો સુધારવા માટે 10 લાખ ટન કાચી ખાંડની કરમુકત (ડ્યુટી ફ્રી) આયાતને મંજૂરી આપવામાં આવી છે. સરકારે શુગર મિલોને 15 ઓક્ટોબરથી જ પિલાણ શરૂ કરવા સલાહ આપી છે. સરકારે ઉમેર્યું હતું કે 20 ઓગસ્ટ 2026 સુધીમાં 2025-26 સિઝનના 97% શેરડીના બિલની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *