ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતીને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત આવેલા પાકિસ્તાની મંત્રીએ આ મુદ્દે સાવચેતીભર્યો જવાબ આપ્યો છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ભારત આવેલા પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુસાદિક મસૂદ મલિકને જ્યારે સિંધુ જળ સમજૂતી અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘પહેલાં સરળ મુદ્દાઓ પર વાત કરીએ.’ તેમના આ નિવેદનની ચર્ચા શરૂ થઈ છે.
પહેલાં સરળ મુદ્દાઓ, પછી ચિંતાજનક વિષયો પર વાત : પાકિસ્તાની મંત્રી
SCO સમિટમાં ભાગ લેવા માટે મુસાદિક મસૂદ મલિક હાલ ભારતના પ્રવાસે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતની મુલાકાતે આવનારા તેઓ પ્રથમ પાકિસ્તાની મંત્રી છે. આ દરમિયાન પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવાના નિર્ણય અંગે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો. જવાબમાં મલિકે કહ્યું હતું કે, ‘પહેલાં સરળ મુદ્દાઓ પર વાત કરીએ અને ત્યારબાદ ભારત તથા પાકિસ્તાન સાથે જોડાયેલા વધુ ચિંતાજનક મુદ્દાઓ પર ચર્ચા કરી શકીએ છીએ.તેમણે વધુમાં કહ્યું કે, આ વિસ્તારમાં શાંતિ હોવી જોઈએ અને અહીંના પ્રશ્નોનું સમાધાન થવું જોઈએ. આ વિસ્તારની પ્રથમ પ્રાથમિકતા ગરીબ અને નબળા વર્ગના લોકો હોવા જોઈએ. પર્વતોની આ તરફ કે પેલી તરફ રહેતા તમામ નબળા લોકોના પ્રશ્નો અંગે ચર્ચા થવી જોઈએ.
SCOના મંચ પરથી એકસાથે બેસીને ઉકેલ શોધવાની અપીલ
પાકિસ્તાની મંત્રીએ કહ્યું કે, આ સંમેલનમાં આઠથી દસ દેશોના લોકો એકસાથે એકત્ર થયા છે. આ માટે તેમણે ભારતના આયોજનની પ્રશંસા પણ કરી હતી.તેમણે કહ્યું કે, વિવિધ દેશોના નેતાઓ એકસાથે બેઠા છે ત્યારે એવા લોકો વિશે ચર્ચા કરવી જોઈએ, જેમના જીવન પર આ તમામ સમસ્યાઓની અસર પડે છે. તેમની સમસ્યાઓના ઉકેલ અને ભવિષ્યના રસ્તા શોધવા જોઈએ. આ એક સરળ વાતચીત છે અને પહેલાં તેના પર ચર્ચા થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતની યજમાનીમાં યોજાયેલા SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમે ‘ઇન્દ્રપ્રસ્થ ઘોષણાપત્ર’ નામનો દસ્તાવેજ જાહેર કર્યો છે. તેમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને દરેક સભ્ય સંસ્કૃતિને સમાન અવાજ સાથે સન્માન આપવાની હિમાયત કરવામાં આવી છે. દિલ્હીના ઐતિહાસિક જૂના કિલ્લામાં યોજાયેલી ત્રણ દિવસીય બેઠકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરે કર્યું હતું. આ બેઠકમાં પાકિસ્તાનના સંઘીય મંત્રી મુસાદિક મલિક સહિત SCOના વિવિધ સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય બેઠક નહીં
આ સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી કે કેમ તે અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલે સ્પષ્ટતા કરી હતી કે બંને દેશો વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય વાતચીત થઈ નથી. જોકે, તેમણે જણાવ્યું હતું કે ભોજન સમારંભ દરમિયાન ભારતીય પક્ષના સભ્યોએ પાકિસ્તાની મંત્રી સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. આમ, એક તરફ સિંધુ જળ સમજૂતી સહિતના મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત્ છે, તો બીજી તરફ SCOના મંચ પર પાકિસ્તાની મંત્રીએ પહેલાં સરળ મુદ્દાઓ પર ચર્ચા કરવાની વાત કરીને સીધા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચોઃ Jamnagar News: અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને 8 લાખની લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા
