હિમાચલ પ્રદેશના CM ઠાકુર સુખવિંદર સિંહ સુખુએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જાહેરાત કરી છે કે આગામી શૈક્ષણિક સત્રથી નર્સરીથી લઈને કોલેજ સુધીના એડમિશન ફોર્મમાંથી જાતિ (Caste)નું કોલમ હટાવી દેવામાં આવશે. સમાજમાં જાતિ આધારિત ભેદભાવ નાબૂદ કરવા અને નાની ઉંમરથી જ બાળકોમાં સમાનતા તથા ભાઈચારાની ભાવના કેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી યોજનાઓ અને શિષ્યવૃત્તિ પર અસર નહીં પડે
CMએ સ્પષ્ટતા કરી છે કે, એડમિશન ફોર્મમાંથી જાતિનું કોલમ હટાવવાનો અર્થ એ નથી કે અનામત કે સરકારી યોજનાઓના લાભ બંધ થઈ જશે. અનુસૂચિત જાતિ (SC) અને અન્ય પાત્ર વર્ગોને સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ (Scholarships) કે અન્ય લાભો મેળવવા માટે જ્યાં જરૂરી હશે ત્યાં પોતાની જાતિની વિગત આપવાની સુવિધા રહેશે.
આગામી શૈક્ષણિક સત્રથી અમલીકરણ
સરકારના આ આદેશ બાદ હવે શિક્ષણ વિભાગ આગામી શૈક્ષણિક સત્ર પહેલાં તમામ શાળાઓ અને કોલેજોના પ્રવેશ ફોર્મમાં જરૂરી ફેરફાર કરવાની તૈયારીઓ કરશે. સરકાર માને છે કે શિક્ષણના ધામમાં બાળકોની ઓળખ તેમની જાતિના આધારે ન હોવી જોઈએ, જે સામાજિક સમાનતાની દિશામાં એક મોટું કદમ છે.
આ પણ વાંચો : World News : નેપાળ-ચીન સરહદે ભયાનક પૂરે સર્જી તબાહી, 22ના મોત, 105 ભારતીયો સહિત 400 લોકો લાપતા
