ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝનો પ્રારંભ 27 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યો છે. સિરીઝની પ્રથમ મેચ કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ સિરીઝ સાથે ભારતની 2026-27ની ઘરઆંગણે વનડે સીઝનની શરૂઆત થશે.
રોહિત અને વિરાટની વાપસી
પ્રથમ વનડેમાં સૌથી વધુ નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. બંને લાંબા સમય બાદ વનડે ટીમમાં પરત ફર્યા છે. રોહિત અને વિરાટ ઉપરાંત રવિન્દ્ર જાડેજાની પણ ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલ સંભાળશે, જ્યારે કેએલ રાહુલ વાઇસ કેપ્ટન છે. એશિયન ગેમ્સને કારણે કેટલાક નિયમિત ખેલાડીઓ ટીમમાં નથી, જેના કારણે કેટલાક નવા ચહેરાઓને પણ તક મળી શકે છે.
વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશિપ શાઈ હોપ પાસે
વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશિપ શાઈ હોપ કરશે. મહેમાન ટીમ માટે ભારત સામેની આ સિરીઝ ખાસ મહત્વ ધરાવે છે. આઈસીસીના જણાવ્યા અનુસાર, વેસ્ટ ઈન્ડિઝે ભારતમાં છેલ્લે 2002માં દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતી હતી. એટલે ટીમ 24 વર્ષ બાદ ફરી ભારતમાં સિરીઝ જીતવાના લક્ષ્ય સાથે ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ, અલ્ઝારી જોસેફ અને શમાર જોસેફ જેવા ખેલાડીઓ સામેલ છે.
ક્યારે અને ક્યાં રમાશે ત્રણેય મેચ?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝનું શેડ્યૂલ પણ નક્કી છે. પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં, બીજી વનડે 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં અને ત્રીજી વનડે 3 ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં રમાશે. ત્રણેય મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
ટીવી અને ઓનલાઈન ક્યાં જોઈ શકાશે?
ભારતમાં પ્રથમ વનડેનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર જોઈ શકાશે.
આ સિરીઝ ભારત માટે માત્ર વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચ પૂરતી નથી. આગામી 2027 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમના ખેલાડીઓ અને કોમ્બિનેશનને અજમાવવાની પ્રક્રિયા પણ આ સિરીઝથી શરૂ થશે. વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાવાનો છે.
આ પણ વાંચો: Virat Kohliએ આપ્યો સંન્યાસનો મોટો સંકેત, વર્લ્ડ કપ રમવા અંગે કહ્યું…
