ભારતીય નૌકાદળનું તાલીમ જહાજ INS સદર્શિની ત્રણ દિવસના લિસ્બન પ્રવાસ બાદ 25 ઓગસ્ટે પોર્ટુગલથી આગળના પ્રવાસ માટે રવાના થયું. આ મુલાકાત ‘લોકાયન-26’ ટ્રાન્સઓશનિક અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રવાસ દરમિયાન જહાજે નૌસૈનિક તાલીમની સાથે ભારત અને પોર્ટુગલ વચ્ચેના દરિયાઈ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આપ્યો.
બંને દેશોની નૌસેનાઓ વચ્ચે દરિયાઈ સહયોગ વધારાશે
લિસ્બનમાં INS સુદર્શિનીના કમાન્ડિંગ ઓફિસરે પોર્ટુગીઝ નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી. તેમાં પોર્ટુગીઝ નેવલ એકેડમીના કમાન્ડન્ટ રિયર એડમિરલ મિગેલ બેસા પાચેકો અને ડેપ્યુટી ફ્લીટ કમાન્ડર રિયર એડમિરલ જોઆઓ પાઉલો સિલ્વા પરેરાનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન બંને દેશોની નૌસેનાઓ વચ્ચે દરિયાઈ સહયોગ વધારવા, વ્યાવસાયિક સંબંધો મજબૂત કરવા અને પરસ્પર સંપર્કને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા થઈ.
INS સુદર્શિની પર ડેક રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું
ભારતીય નૌસેનાના સી ટ્રેઈનીઝે પોર્ટુગીઝ નેવલ એકેડમીની મુલાકાત પણ લીધી હતી. અહીં તેમણે પોર્ટુગીઝ નૌસેનાના કેડેટ્સ સાથે મુલાકાત કરી અને દરિયાઈ તાલીમ, નૌકાવિહાર તથા મોટા સેલિંગ જહાજો પર તાલીમના અનુભવો એકબીજા સાથે વહેંચ્યા. INS સુદર્શિની પર ડેક રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પોર્ટુગલના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય નૌસેનાના જણાવ્યા મુજબ પોર્ટુગલના પોંટા ડેલગાડા અને લિસ્બન બંદરોની મુલાકાત બંને દેશો વચ્ચેની મજબૂત દરિયાઈ ભાગીદારીનું પ્રતિબિંબ છે. INS સુદર્શિની પોતાના અભિયાન દ્વારા તાલીમ ઉપરાંત નૌસૈનિક કૂટનીતિ અને મિત્ર દેશો સાથે વ્યાવસાયિક સહયોગનો સંદેશ પણ આગળ લઈ જઈ રહ્યું છે.
