ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં ખેલાડીઓ પર અઢળક પૈસાનો વરસાદ થતો રહ્યો છે, પરંતુ આગામી સિઝનમાં આ આંકડો નવી ઊંચાઈએ પહોંચી શકે છે. IPL 2028 પહેલાં જ ખેલાડીઓના રિટેન્શનને લઈને મોટી હલચલ શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયાના કેટલાક મોટા ખેલાડીઓએ પોતાની ફ્રેન્ચાઇઝી સમક્ષ ટીમમાં જાળવી રાખવા માટે ₹40 કરોડ સુધીની માગ કરી હોવાનું સામે આવ્યું છે. જો આવું થાય તો ફ્રેન્ચાઇઝીઓનું બજેટ ખોરવાઈ શકે છે.
ટીમમાં રહેવા માટે ₹40 કરોડની માગ!
ક્રિકબઝના અહેવાલ મુજબ, IPLની કેટલીક ફ્રેન્ચાઇઝીઓના ટોચના ખેલાડીઓએ રિટેન્શન ફી તરીકે ₹40 કરોડનો આંકડો નક્કી કર્યો છે. આ ખેલાડીઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો તેમને આટલી મોટી રકમ મળશે તો જ તેઓ પોતાની જૂની ટીમ સાથે જોડાયેલા રહેશે.ખેલાડીઓનું માનવું છે કે જો તેઓ રિટેન્શનમાંથી બહાર નીકળીને હરાજીમાં ઉતરશે તો તેમને વધુ મોટી રકમ મળી શકે છે. ખાસ કરીને ભારતીય ખેલાડીઓની માગ ઘણી વધારે રહેતી હોવાથી ફ્રેન્ચાઇઝીઓ માટે તેમને પોતાની ટીમમાં જાળવી રાખવા પડકારજનક બની શકે છે.
શ્રેયસ ઐયર અને ઋષભ પંત બન્યા પ્રેરણા
ખેલાડીઓની આટલી મોટી માગ પાછળ શ્રેયસ ઐયર અને ઋષભ પંતના મોટા કરારને પણ એક કારણ માનવામાં આવે છે. બંને ખેલાડીઓ પોતાની જૂની ટીમમાં રિટેન થયા નહોતા અને IPL 2025ની મેગા હરાજીમાં ઉતર્યા હતા.આ હરાજીમાં પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરને ₹26.75 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સે ઋષભ પંત માટે ₹27 કરોડ ખર્ચ્યા હતા. આ બંને ખેલાડીઓએ હરાજીમાં મેળવેલી મોટી રકમ અન્ય ખેલાડીઓ માટે પણ પ્રેરણા બની છે.હવે બીજા મોટા ખેલાડીઓ પણ એવું માની રહ્યા છે કે જો તેઓ હરાજીમાં ઉતરશે તો તેમની કિંમતમાં મોટો વધારો થઈ શકે છે. આ જ કારણ છે કે કેટલીક ફ્રેન્ચાઇઝીઓ સામે ₹40 કરોડ સુધીની માગ રાખવામાં આવી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
IPL 2028ની હરાજીમાં વધશે ટીમોનું બજેટ?
IPL 2028 પહેલાં યોજાનારી મેગા હરાજી પણ ખાસ રહેવાની શક્યતા છે. અહેવાલો અનુસાર, આગામી મેગા હરાજી સુધીમાં દરેક ટીમનું પર્સ વધીને ₹150 કરોડ સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો ખેલાડીઓ માટે મોટી રકમ મેળવવાની તક પણ વધી જશે.જોકે, જો એક જ ખેલાડીને ₹40 કરોડ ચૂકવવા પડે તો ફ્રેન્ચાઇઝીઓ પાસે બાકીના ખેલાડીઓ ખરીદવા માટે મર્યાદિત રકમ બચશે. પરિણામે ટીમનું સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે.
ફ્રેન્ચાઇઝીઓ સામે મોટો પડકાર
₹40 કરોડની રિટેન્શન ફીનો મુદ્દો IPLની આગામી હરાજી પહેલાં મોટો વિવાદ બની શકે છે. એક તરફ ખેલાડીઓ પોતાની લોકપ્રિયતા અને પ્રદર્શનના આધારે મોટી રકમ મેળવવા માગે છે, તો બીજી તરફ ફ્રેન્ચાઇઝીઓએ મજબૂત ટીમ તૈયાર કરવાની સાથે બજેટનું પણ ધ્યાન રાખવું પડશે.હવે જોવાનું એ રહેશે કે ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓની આ માગ સ્વીકારે છે કે પછી તેમને હરાજીના મેદાનમાં ઉતરવા દે છે. IPL 2028 પહેલાં ખેલાડીઓ અને ટીમો વચ્ચેનો આ પૈસાનો ખેલ વધુ રસપ્રદ બની શકે છે.
આ પણ વાંચો – PCBનો નવો ફતવો: અબુધાબી T10 લીગ માટે દરેક ખેલાડી પાસેથી NOC પેટે માંગ્યા 10,000 ડૉલર
