ભારતમાં રહીને ક્રિકેટ રમતાં 12 યુવા ક્રિકેટરો સામે હવે નાગરિકતા અને ક્રિકેટમાં તક મેળવવાનો મુદ્દો ઊભો થયો છે. આ ખેલાડીઓ પાસે ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ છે. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એ નિયમને પડકારી રહ્યા છે, જેમાં બોર્ડની ટૂર્નામેન્ટમાં રમવા માટે ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી છે. આ મામલે સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે ખેલાડીઓને સવાલ કર્યો કે જો તેઓ ભારત માટે રમવા માગે છે, તો ભારતીય નાગરિકતા કેમ નથી લઈ લેતા? જોકે, કોર્ટે તેમને નાગરિકતા બદલવાનો આદેશ આપ્યો નથી. આ ટિપ્પણી BCCIની ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી માગતી તેમની અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.
હાઈકોર્ટે પૂછ્યું- ભારતીય નાગરિકતા કેમ નથી લેતા?
મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચ 12 યુવા ક્રિકેટરોની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ ખેલાડીઓએ BCCIના ભારતીય પાસપોર્ટ ફરજિયાત હોવાના નિયમને પડકાર્યો છે. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે ભારતમાં ક્રિકેટની પ્રતિભાની કોઈ કમી નથી. જો આ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આટલા ઉત્સુક છે, તો તેઓ ભારતીય નાગરિકતા કેમ નથી લઈ લેતા? કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ખેલાડીઓએ પોતાનું નાગરિકત્વ બદલવું જ પડશે એવો કોઈ આદેશ આપવામાં આવી રહ્યો નથી. નાગરિકતા લીધા વિના BCCIની ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી માગવામાં આવી રહી હોવાથી આ વિકલ્પ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.
IPL સુધી પહોંચવા માટે સ્થાનિક ક્રિકેટ રમવી જરૂરી
ખેલાડીઓ તરફથી વકીલ કુણાલ ચીમા અને દત્તા માણેએ દલીલ કરી હતી કે તેઓ અત્યારે સીધા ભારતીય આંતરરાષ્ટ્રીય ટીમમાં રમવાની માગણી કરી રહ્યા નથી. તેમની માગણી માત્ર એટલી છે કે તેમને BCCIની સ્થાનિક ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપવામાં આવે. સ્થાનિક ક્રિકેટમાં રમવાથી ખેલાડીઓને પોતાના પ્રદર્શનનો રેકોર્ડ બનાવવાની તક મળે છે. આ આંકડા અને પ્રદર્શનના આધારે તેઓ ભવિષ્યમાં IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં પસંદગી મેળવવાનો પ્રયાસ કરી શકે છે. ખેલાડીઓના વકીલે દલીલ કરી હતી કે આ યુવા ક્રિકેટરો ભારતમાં રહે છે અને અભ્યાસ પણ કરે છે. અગાઉ OCI કાર્ડધારકોને BCCIની સ્થાનિક ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી મળતી હતી, પરંતુ 2023માં નિયમ બદલાયા બાદ તેમના માટે મુશ્કેલી ઊભી થઈ છે.
BCCIએ શું દલીલ કરી?
BCCI તરફથી વરિષ્ઠ વકીલ ડૉ. બીરેન્દ્ર સરાફે દલીલ કરી હતી કે કાયદા મુજબ OCI કાર્ડધારકો ભારતીય આંતરરાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. તેમણે કહ્યું કે બોર્ડ ખેલાડીઓને શોધવા, તાલીમ આપવા અને તૈયાર કરવા માટે નાણાં ખર્ચે છે. BCCIના પક્ષે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે આ ખેલાડીઓ શાળા, કોલેજ, ખાનગી ક્રિકેટ એકેડમી અને બોર્ડની બહાર યોજાતી અન્ય ટૂર્નામેન્ટમાં રમી શકે છે. પરંતુ BCCIની ટૂર્નામેન્ટમાં રમવાનો અધિકાર હોવાનો દાવો કરી શકાય નહીં. બોર્ડે વધુમાં કહ્યું કે જો આ ખેલાડીઓ ભારતીય નાગરિકતા મેળવી લે, તો તેમનું સ્વાગત કરવામાં આવશે. આ મામલામાં BCCIએ ભારતીય પાસપોર્ટની શરતને યોગ્ય ગણાવી છે.
12 ખેલાડીઓની અરજીમાં કોણ-કોણ સામેલ?
BCCIના નિયમને પડકારનારા 12 ખેલાડીઓમાં કવિન કાર્તિક, અવિક દીક્ષિત, રામ રેપાલા, અમેયમાનસા રેડ્ડી પમુલાપતિ, અયાન મોહમ્મદ અહેમદ, વેદાંત પાઠક, નિર્વેતલા રિશિત રેડ્ડી, કોથાપલ્લી ક્રિતિન રેડ્ડી, કોથાપલ્લી અર્નવ રેડ્ડી, રિતેશ સાઈ ઈશ્વર, આર્યન સિંહ સિદ્ધુ અને કુડુગુન્ટા ક્રિતિક રેડ્ડીનો સમાવેશ થાય છે. ખેલાડીઓના વકીલે એવી દલીલ પણ કરી હતી કે બાળકોને પોતાની નાગરિકતા પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ અને તેમને નાગરિકતા બદલવા માટે મજબૂર ન કરવા જોઈએ. આ મુદ્દે તેઓ આગામી સુનાવણીમાં આંતરરાષ્ટ્રીય નિયમો અને સંમેલનો રજૂ કરશે.
હવે 25 નવેમ્બરે ફરી સુનાવણી
આ મામલામાં કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવી છે, પરંતુ સુનાવણી વખતે સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો નહોતો. કોર્ટે BCCI, કેન્દ્ર સરકાર અને અરજદારોને કેટલાક OCI કાર્ડધારક ખેલાડીઓની નાગરિકતા માટેની અરજીઓની સ્થિતિ અંગે માહિતી આપવા કહ્યું છે. BCCIએ કોર્ટને જણાવ્યું હતું કે કેટલાક ખેલાડીઓએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે અને તેમની અરજીઓ પર પ્રક્રિયા ચાલી રહી છે. હવે આ મામલે આગામી સુનાવણી 25 નવેમ્બરે થશે. ત્યારબાદ જ આ ખેલાડીઓને BCCIની સ્થાનિક ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી અંગે આગળની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: Sanju Samson પાસે ‘લાઇફટાઇમ સબ્સ્ક્રિપ્શન ટુ પ્રેશર’! આકાશ ચોપડાએ આવું કેમ કહ્યું?
