5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સમાં IPL 2027 પહેલાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમ ફરી એકવાર રોહિત શર્માને કેપ્ટનશિપની જવાબદારી સોંપી શકે છે. મિડિયા રિપોર્ટ અનુસાર ફ્રેન્ચાઇઝીએ આ ફેરફાર કરવાનો નિર્ણય લઈ લીધો છે અને રોહિત શર્મા પણ તેના માટે તૈયાર છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રોહિત શર્મા બનશે કેપ્ટન
રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત IPLનો ખિતાબ જીત્યો હતો. આ સાથે તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ટૂર્નામેન્ટના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. બીજી તરફ, હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈની ટીમ છેલ્લી સિઝનમાં 14માંથી 10 મેચ હારી હતી અને પોઇન્ટ ટેબલમાં 9મા સ્થાને રહી હતી.
રોહિતે તિલક વર્માનું નામ સૂચવ્યું હતું
મિડિયા રિપોર્ટ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી સિઝન દરમિયાન જ કેપ્ટનશિપમાં ફેરફાર કરવા અંગે વિચારણા શરૂ કરી દીધી હતી. આ જવાબદારી માટે સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને યુવા બેટ્સમેન તિલક વર્માનાં નામ પણ ચર્ચામાં હતાં.જોકે, રોહિત શર્માએ શરૂઆતમાં તિલક વર્માને કેપ્ટન બનાવવાનું સૂચન કર્યું હતું. પરંતુ ફ્રેન્ચાઇઝીએ રોહિતને જ ફરીથી ટીમની કમાન સંભાળવા વિનંતી કરી હતી. ન્યૂઝીલેન્ડ જવા રવાના થતાં પહેલાં આ મુદ્દે રોહિત સાથે અનેક તબક્કાની વાતચીત પણ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
હાર્દિક પંડ્યા મુંબઈમાં રહેશે કે બીજી ટીમમાં જશે?
કેપ્ટનશિપમાં ફેરફારની ચર્ચા વચ્ચે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા રહેશે કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે. છેલ્લી સિઝનથી જ હાર્દિકને બીજી ટીમમાં ટ્રેડ કરવાની ચર્ચા ચાલી રહી છે.અહેવાલ પ્રમાણે, જો હાર્દિકનો ટ્રેડ નહીં થાય તો તેણે રોહિત શર્માની કેપ્ટનશિપમાં રમવા માટે સહમતી આપી છે. ઉલ્લેખનીય છે કે IPL 2024 પહેલાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડ કરીને મુંબઈમાં લાવવામાં આવ્યા હતા અને તેમને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.આ નિર્ણય બાદ વાનખેડે સ્ટેડિયમમાં ઘરઆંગણાના દર્શકોએ અનેક વખત હાર્દિકની ટીકા કરી હતી અને તેમની સામે નારાજગી વ્યક્ત કરી હતી. હવે IPL 2027 પહેલાં કેપ્ટનશિપમાં ફેરફારની શક્યતાએ ફરી ચર્ચા જગાવી છે.
મુંબઈના કોચિંગ સ્ટાફમાં પણ મોટો ફેરફાર
મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન પહેલાં પોતાના કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કર્યા છે. કિરોન પોલાર્ડને મહેલા જયવર્દનેના સ્થાને ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત રોબિન ઉથપ્પાને બેટિંગ કોચ અને ન્યૂઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર મિચેલ મેક્લેનાઘનને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ અને ધવલ કુલકર્ણી ડેવલપમેન્ટ બોલિંગ કોચ તરીકે કામ કરશે.રોબિન ઉથપ્પા 2008માં મુંબઈ માટે રમી ચૂક્યા છે. જ્યારે મેક્લેનાઘન અને ધવલ કુલકર્ણીનો પણ આ ફ્રેન્ચાઇઝી સાથે અગાઉથી સંબંધ રહ્યો છે. હવે નવા કોચિંગ સ્ટાફ અને સંભવિત કેપ્ટનશિપ ફેરફાર સાથે મુંબઈ ઈન્ડિયન્સ IPL 2027માં કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો – Virat Kohli : ઓકલેન્ડ એરપોર્ટ પર વિરાટ કોહલીનો ખાસ અંદાજ,ભાવુક મહિલા ફેનનો આ વીડિયો થયો વાયરલ
