IPL 2027 નહીં રમે મિચેલ સ્ટાર્ક! ઓસ્ટ્રેલિયાની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, દિલ્હી કેપિટલ્સને ઝટકો

📅 Published: November 17, 2026 | 📂 Category: cricket

મિચેલ સ્ટાર્ક IPL 2027માં રમતો જોવા નહીં મળે. ઓસ્ટ્રેલિયાનો આ ડાબોડી ફાસ્ટ બોલર આગામી સિઝન છોડીને દેશની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને પ્રાથમિકતા આપવા માગે છે. સ્ટાર્કે દિલ્હી કેપિટલ્સને IPL 2027માં નહીં રમવાની પોતાની ઇચ્છા જણાવી છે. ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમ અને 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીને ધ્યાનમાં રાખીને તેણે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. 

દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો

સ્ટાર્કની ગેરહાજરી દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો બની શકે છે. નવી બોલથી વિકેટ લેવાની સાથે ડેથ ઓવર્સમાં પણ તે અસરકારક બોલિંગ કરી શકે છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો લાંબો અનુભવ છે. હવે દિલ્હી પાસે મિની ઓક્શનમાં તેના સ્થાને બીજા વિદેશી ફાસ્ટ બોલરની શોધ કરવાનો વિકલ્પ રહેશે. સ્ટાર્કે IPLમાં અત્યાર સુધી ત્રણ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. 2024માં કોલકાતાને ચેમ્પિયન બનાવવામાં પણ તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

58 મેચમાં 76 વિકેટનો રેકોર્ડ

મિચેલ સ્ટાર્કે IPLમાં અત્યાર સુધી 58 મેચ રમી છે અને કુલ 76 વિકેટ ઝડપી છે. 2024ની સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતાં તેણે 17 વિકેટ લીધી હતી અને ટીમને ખિતાબ જીતવામાં મદદ કરી હતી. દિલ્હી કેપિટલ્સે તેને 2025ની હરાજીમાં ₹11.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, 2026ની સિઝનમાં ઈજા અને ફિટનેસ સંબંધિત સમસ્યાઓને કારણે તે માત્ર છ મેચ જ રમી શક્યો હતો. આ છ મેચમાં તેણે 11 વિકેટ ઝડપી હતી. 

2027માં ઓસ્ટ્રેલિયાનું વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર

2027 ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ખૂબ મહત્ત્વનું વર્ષ છે. માર્ચમાં ઇંગ્લેન્ડ સામે 150મી વર્ષગાંઠની ખાસ ટેસ્ટ રમાવાની છે. ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની શક્યતા અને ઇંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણી જેવા પડકારો પણ છે. આ ઉપરાંત 2027માં વનડે વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. આવી સ્થિતિમાં સ્ટાર્ક પોતાની ફિટનેસ અને વર્કલોડનું સંચાલન કરવા માગે છે. ખાસ કરીને ફાસ્ટ બોલર માટે સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું શારીરિક રીતે પડકારજનક હોય છે. તેથી તેણે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ કરતાં દેશ માટેની જવાબદારીઓને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. 

16 ડિસેમ્બરે મિની ઓક્શનમાં દિલ્હીની નજર

IPL 2027ની મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાની છે. સ્ટાર્કની ગેરહાજરીથી દિલ્હી કેપિટલ્સે પોતાની બોલિંગની રણનીતિમાં ફેરફાર કરવો પડશે. ટીમને એવો વિદેશી ફાસ્ટ બોલર શોધવો પડશે જે નવી બોલથી વિકેટ લઈ શકે અને છેલ્લી ઓવરોમાં રન રોકી શકે.

આ પણ વાંચો: MS Dhoni: ‘8નો 7 માટે હંમેશાં આદર…’ ધોનીની વિદાયથી ક્રિકેટ જગત ભાવુક, જાડેજા-ઇરફાન-ધવને ખાસ સંદેશ આપ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *