IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સ કાલે શું કરશે? 5:45એ થયેલી એક પોસ્ટે વધારી ચર્ચા !

📅 Published: November 26, 2026 | 📂 Category: cricket

મુંબઈ ઈન્ડિયન્સે ગુરુવાર, 26 નવેમ્બરે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર એક ટીઝર પોસ્ટ કર્યું હતું. તેમાં ટીમનાં હેલ્મેટ અને બેટની ઝલક સાથે માત્ર ‘24 hours to go’ લખવામાં આવ્યું છે. પોસ્ટમાં 27 નવેમ્બરની તારીખ પણ દર્શાવવામાં આવી છે. આ પોસ્ટનો સમય સાંજે 5:45 વાગ્યાનો હોવાથી ચાહકો તેને રોહિત શર્મા સાથે જોડી રહ્યા છે. જોકે, ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી પોસ્ટનો હેતુ કે નવા કેપ્ટનનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી. 

5:45ના સમય પાછળ છુપાયેલો છે મોટો સંકેત?

મુંબઈ ઈન્ડિયન્સની આ પોસ્ટમાં સૌથી વધુ ચર્ચા તેના સમયને લઈને થઈ રહી છે. ફ્રેન્ચાઇઝીએ પોસ્ટ સાંજે બરાબર 5:45 વાગ્યે કરી હતી. ચાહકો આ આંકડાઓને રોહિત શર્મા સાથે જોડી રહ્યા છે. રોહિતની જર્સીનો નંબર 45 છે, જ્યારે તેની કેપ્ટનશિપમાં મુંબઈએ પાંચ IPL ટ્રોફી જીતી છે. આથી 5 અને 45નો સંકેત રોહિતની વાપસી તરફ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. આ પહેલાં પણ મુંબઈએ એક ટીઝર પોસ્ટ કર્યું હતું. તેમાં એક એનિમેટેડ હાથ મુંબઈ ઈન્ડિયન્સની કેપ પકડતો જોવા મળ્યો હતો. ચાહકોએ આ અંદાજને રોહિત શર્માની ટ્રોફી જીત્યા બાદ ઉજવણી કરવાની જાણીતી સ્ટાઇલ સાથે જોડ્યો હતો. હવે બીજી પોસ્ટે આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે.

હાર્દિક પંડ્યાના ગયા બાદ કેપ્ટનનું પદ ખાલી

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર થયો છે. ટીમના અગાઉના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટ્રેડ દ્વારા પંજાબ કિંગ્સમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈની ટીમ સાથે જોડાયા છે. હાર્દિકના જવાથી મુંબઈમાં કેપ્ટનનું સ્થાન ખાલી થયું છે. હાર્દિકે 2024થી 2026 સુધી મુંબઈની કેપ્ટનશિપ કરી હતી. જોકે, IPL 2026માં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. મુંબઈએ 14 લીગ મેચમાંથી માત્ર ચાર મેચ જીતી હતી અને પોઇન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી. હવે આગામી સિઝન પહેલાં ટીમ નવા નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે ઉત્સુકતા છે.

રોહિતની વાપસીની અટકળો, પણ સત્તાવાર જાહેરાત બાકી

રોહિત શર્માએ 2013થી 2023 સુધી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી હતી. તેના નેતૃત્વમાં ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો હતો. આ કારણે રોહિતને ફરી કેપ્ટન બનાવવાની માંગ ચાહકોમાં જોવા મળી રહી છે. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહનાં નામ પણ સંભવિત નેતૃત્વ માટે ચર્ચામાં છે. તિલક વર્માને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો પણ છે. જોકે, આ અંગે ફ્રેન્ચાઇઝી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મુંબઈ ઈન્ડિયન્સની પોસ્ટ પ્રમાણે 27 નવેમ્બરે સાંજે 5:45 વાગ્યે મોટો ખુલાસો થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આ ટીઝર ખરેખર રોહિત શર્માની કેપ્ટન તરીકે વાપસીનો સંકેત છે કે પછી ટીમે ચાહકો માટે કોઈ બીજું સરપ્રાઇઝ તૈયાર કર્યું છે.

આ પણ વાંચો: આર્યવીર બાદ Virender Sehwagના નાના દીકરાનો મોટો ધડાકો! વેદાંતે બોલથી બતાવ્યો પોતાનો દમ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *