ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની ઘણી યાદગાર ટક્કર થઈ છે, પરંતુ 1996ના વર્લ્ડ કપમાં અજય જાડેજાએ પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર વકાર યુનુસની કરેલી ધુલાઈ આજે પણ ક્રિકેટપ્રેમીઓ ભૂલી શક્યા નથી. ખાસ વાત એ છે કે ખુદ વકાર યુનુસ પણ આ ઇનિંગને લગભગ ત્રણ દાયકા બાદ યાદ કરી રહ્યા છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે જાડેજાને 800 વાર આઉટ કરી દે તો પણ એ એક ઇનિંગનો હિસાબ બરાબર નહીં થાય. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન વકારને 1996ના વર્લ્ડ કપની એ ક્વાર્ટર ફાઇનલ યાદ અપાવવામાં આવી હતી. આ જ અજય જાડેજાની વિકેટ લઈને વકાર યુનુસે પોતાની વનડે કારકિર્દીની 200મી વિકેટ પૂરી કરી હતી. જોકે, વકાર માટે આ સિદ્ધિ પણ જાડેજાએ અગાઉ કરેલી ધુલાઈની ભરપાઈ કરી શકી નહોતી.
જાડેજાએ 25 બોલમાં ફટકાર્યા હતા 45 રન
9 માર્ચ 1996ના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલ રમાઈ હતી. ભારતે પહેલાં બેટિંગ કરતાં નવજોત સિંહ સિદ્ધુની 93 રનની ઇનિંગના સહારે મોટો સ્કોર બનાવવાની દિશામાં આગળ વધ્યું હતું. જોકે, ઇનિંગના અંતિમ ઓવરોમાં અજય જાડેજાએ મેચનું ચિત્ર બદલી નાખ્યું. તેમણે માત્ર 25 બોલમાં 45 રન ફટકાર્યા, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. જાડેજાએ ખાસ કરીને વકાર યુનુસને નિશાન બનાવ્યા હતા. વકારની એક ઓવરમાં જાડેજાએ 22 રન ફટકાર્યા હતા, જ્યારે બીજી ઓવરમાં ભારતીય બેટરોએ 18 રન મેળવ્યા હતા. જાડેજાની આ તોફાની બેટિંગને કારણે ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 287 રન બનાવ્યા હતા.
‘800 વાર આઉટ કરું તો પણ હિસાબ નહીં સરખો થાય’
પોડકાસ્ટમાં વકારે જણાવ્યું કે જાડેજા સાથે આજે પણ જ્યારે વાત થાય છે, ત્યારે તેઓ આ ઇનિંગનો ઉલ્લેખ કરે છે. વકારના કહેવા પ્રમાણે, જાડેજાને હવે 800 વાર આઉટ કરી દે તો પણ એ એક ઇનિંગમાં થયેલી ધુલાઈનો બદલો પૂરો નહીં થાય. પોતાની વાત સમજાવવા માટે વકારે એક કહેવતનો પણ ઉલ્લેખ કર્યો, ‘સો સુનાર કી એક લુહાર કી’. વકારના મતે, જાડેજાએ તે દિવસે એવો જ એક જોરદાર ઘા માર્યો હતો, જે આજે પણ તેમની યાદોમાં તાજો છે.
ભારતે પાકિસ્તાનને 39 રનથી હરાવ્યું હતું
જાડેજાની આક્રમક ઇનિંગે ભારતને 287 રન સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 248 રન સુધી જ પહોંચી શકી હતી. ભારતે આ મુકાબલો 39 રનથી જીતીને વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે, આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચનો પુરસ્કાર નવજોત સિંહ સિદ્ધુને મળ્યો હતો, જેમણે 93 રન બનાવ્યા હતા. તેમ છતાં, વકાર યુનુસ સામે જાડેજાએ કરેલો હુમલો આ મુકાબલાની સૌથી યાદગાર ઘટનાઓમાંનો એક બની ગયો.
આ પણ વાંચો: Arshdeep Singhનો એક વિકેટથી ઇતિહાસ! ન્યૂઝીલેન્ડ સામે બે મોટા રેકોર્ડ તોડવાની તક
