Jamnagar કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભાણી પર અત્યાચાર ગુજારી હત્યા કરનાર નરાધમ મામાને ફાંસીની સજા…!

📅 Published: October 9, 2026 | 📂 Category: Crime

જામનગર જિલ્લાની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક અત્યંત જઘન્ય અને કાળજું કંપાવનારા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા પોક્સો વિથ મર્ડર કેસમાં અદાલતે આરોપીને દોષિત ઠેરવી ફાંસીની સજા સંભળાવી છે. જામનગર જિલ્લાના ન્યાયિક ઈતિહાસમાં પોક્સો વિથ મર્ડરના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે.

12 જાન્યુઆરી 2025ના રોજ બની હતી ઘટના

કેસની પ્રાપ્ત વિગત અનુસાર, આ ભયાનક ઘટના 12 જાન્યુઆરી, 2025ના રોજ બની હતી. આરોપી 39 વર્ષીય નિતિન ડોસાજી માણેક ભોગ બનનાર માસુમ બાળકીનો સગો મામા થતો હતો અને પીડિતા તેના મામાના ઘરે જ રહેતી હતી. નરાધમ મામાએ પોતાના જ ઘરે રહેતી ભાણી પર ગંભીર અને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ દરમિયાન માસુમ પીડિતાના શરીર પર અલગ-અલગ 23 જેટલી ગંભીર ઈજાઓના નિશાન મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આરોપીએ તેને કેટલી ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી હતી.

23 સાક્ષીઓ અને 95 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે કેસને ‘રેર ઓફ ધ રેરેસ્ટ’ ગણાવ્યો

આ કેસમાં સરકાર પક્ષે ધારદાર રજૂઆતો કરીને કુલ 23 સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી તેમજ કોર્ટ સમક્ષ 95 જેટલા દસ્તાવેજી પુરાવા પેશ કર્યા હતા. સરકારી વકીલની દલીલો, સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ પુરાવાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટે આ ઘટનાને સમાજ માટે કાળંકરૂપ અને “રેર ઓફ ધ રેરેસ્ટ” (વિરલમાંથી વિરલતમ) શ્રેણીની ગણાવી હતી. અદાલતે સગા સંબંધીના સંબંધને લજવનારા આરોપી નિતિન માણેકને ફાંસીની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ગરબાના રંગમાં ભંગ પડાવાની ભીતિ? કડક નિયમોના કારણે મંજૂરીઓ અટકતાં આયોજકો વિમાસણમાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *