જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા જાંબુડા નજીક શ્રીનાથજી પાર્ક પાસે એક ચોંકાવનારૂં કૌભાંડ સામે આવ્યો છે. અહીં ટ્રાન્સપોર્ટ પેઢીની જાણ બહાર ટેન્કરમાંથી ગુપ્ત રીતે ડીઝલની ચોરી કરવામાં આવી રહી હતી, જેનો રાજકોટ રેન્જની ટીમે સફળ પર્દાફાશ કર્યો છે.
નયારા કંપનીના ટેન્કરમાં થતી હેરાફેરી
પ્રાપ્ત વિગતો અનુસાર, નયારા કંપનીનું ડીઝલ નિર્ધારિત સ્થળે પહોંચાડવાના બદલે રસ્તામાં જ કૌભાંડ આચરવામાં આવતું હતું. આરોપીઓ ટેન્કરનું સુરક્ષિત સીલ તોડીને અંદરથી ડીઝલ બહાર કાઢી લેતા હતા અને ત્યારબાદ કોઈને શંકા ન જાય તે માટે ફરીથી નવું સીલ લગાવી દેતા હતા. આ ભેદી રીતભાતથી લાંબા સમયથી ડીઝલ ચોરીનું આ રેકેટ ચાલતું હતું.

લાખોનો મુદ્દામાલ જપ્ત અને ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી
રાજકોટ રેન્જની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ડીઝલ ભરેલું ટેન્કર અને બે મોટરસાઇકલ સહિત કુલ રૂ. 41,50,504નો મસમોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ગોપાલ ભુરાભાઈ સરસીયા, ભરત ભુરાભાઈ સરસીયા અને અરુણ લાલમણી યાદવ નામના ત્રણ શખ્સો સામે સંડોવણી ખૂલતા પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, અને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Jamnagar News: 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા મોટું ગાબડું, AAPના 30 હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાશે
