જામનગર શહેરમાં તાજેતરમાં નોન-વેજ ખોરાક આરોગ્યા બાદ કેટલાક નાગરિકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થયાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની ફૂડ શાખા તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સતત બીજા દિવસે પણ દરોડા અને ચેકિંગની કાર્યવાહી યથાવત રહી હતી.
નોન-વેજ રેસ્ટોરન્ટ, કેટરર્સ અને લારીઓમાં સઘન તપાસ
ફૂડ શાખાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધમધમતી નોન-વેજ રેસ્ટોરન્ટો, હોટેલો, કેટરર્સ તેમજ ખાણીપીણીની લારીઓ પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ફ્રેશનેસ તેમજ રસોડામાં રાખવામાં આવતી સ્વચ્છતાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

વેપારીઓમાં ફફડાટ અને સ્વચ્છતા જાળવવા કડક સૂચના
ફૂડ વિભાગની આ સઘન અને આક્રમક કાર્યવાહીને કારણે નોન-વેજ અને ફાસ્ટ ફૂડનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્ર દ્વારા તમામ વેપારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપવામાં આવી છે કે, ગ્રાહકોને હંમેશાં ગુણવત્તાયુક્ત, તાજો અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક જ પીરસવામાં આવે તથા વ્યવસાયિક જગ્યાએ ચોખ્ખાઈ રાખવામાં આવે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આગામી દિવસોમાં વધુ કાનૂની અને દંડકીય પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો: Jamnagarની મહાવીર સોસાયટીમાં જર્જરિત મકાનનું બાંધકામ તોડતી વખતે દીવાલ ધરાશાયી: 1 મજૂરનું મોત, 2 ઇજાગ્રસ્ત!
