યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી મહાપર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જન્માષ્ટમીના દિવસે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા પહોંચે છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર અને પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દ્વારકાધામમાં જન્માષ્ટમી માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ આસ્થા અને ભક્તિનો મહાસંગમ છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓના સ્વાગત માટે દ્વારકા સંપૂર્ણ રીતે સજ્જ થઈ રહ્યું છે.
કીર્તિ સ્તંભથી છપ્પન સિઢી સુધી રેલિંગ
શ્રદ્ધાળુઓને દર્શન દરમિયાન કોઈ અગવડ ન પડે અને ભીડનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે કીર્તિ સ્તંભથી છપ્પન સિઢી સુધી રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે ભીડ વચ્ચે યાત્રિકો વ્યવસ્થિત રીતે આગળ વધી શકે અને કતાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થશે.

2000 પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત
જન્માષ્ટમી મહાપર્વને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પણ સંપૂર્ણ રીતે એક્શનમાં આવી છે. SP અને DySP સહિત PI, PSI, પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના આશરે 2000 જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. મંદિર પરિસર, શહેરના મુખ્ય માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.

LCB, QRT અને SHE ટીમ પણ રહેશે એક્શનમાં
યાત્રિકોની સુરક્ષા અને કોઈપણ અણધારી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે LCB, QRT અને SHE ટીમને પણ તૈનાત રાખવામાં આવશે. મહિલા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે SHE ટીમ ખાસ જવાબદારી સંભાળશે, જ્યારે કોઈપણ કટોકટીની સ્થિતિમાં QRT ટીમ ઝડપી કાર્યવાહી માટે તૈયાર રહેશે.

ટ્રાફિક, પાર્કિંગ અને સ્વચ્છતા પર ખાસ ભાર
લાખોની સંખ્યામાં યાત્રિકો અને વાહનો દ્વારકા પહોંચવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરમાં પાર્કિંગ, વાહન વ્યવહારનું સંચાલન અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
આસ્થા સાથે વ્યવસ્થાનો પણ સંગમ જોવા મળશે
દ્વારકાધામમાં જન્માષ્ટમી દરમિયાન આસ્થા સાથે વ્યવસ્થાનો પણ સંગમ જોવા મળશે. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવનારા લાખો ભક્તોના સ્વાગત માટે હવે દ્વારકા સંપૂર્ણ સજ્જ બની રહ્યું છે.
