દિલ્હીમાં શનિવારના વિરોધ પ્રદર્શનના ઘટનાક્રમ બાદ CJP એ સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. CJP દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં અજિંક્ય શિંદેએ જણાવ્યું હતું કે રવિવારે CJP ફરી એકવાર જંતર-મંતર તરફ કૂચ કરશે.
આ દરમિયાન, દિલ્હી પોલીસને CJP સહિત અનેક સંગઠનો દ્વારા જંતર-મંતર પર ફરીથી પ્રદર્શન કરવામાં આવે તેવી આશંકા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, CJP, AIYF, AISF અને SFI દ્વારા પ્રદર્શનની હાકલ કરવામાં આવી હોવાથી વિસ્તારમાં પોલીસની તહેનાતી ચાલુ રહેશે.
બીજી તરફ, અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવેલી મહિલા પ્રદર્શનકારીઓ અને વરિષ્ઠ નાગરિકોને એક પછી એક મુક્ત કરવામાં આવી રહ્યા છે. જો કે CJPના નેતાઓના કિસ્સામાં નિયમો અનુસાર કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. પોલીસે અત્યાર સુધીમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આવનાર 3000થી વધુ લોકોને અટકાયતમાં લીધા છે.
જંતર-મંતરની આસપાસ સુરક્ષાનો કડક બંદોબસ્ત
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતરની આસપાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. મધ્ય દિલ્હીમાં જતાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. રસ્તાઓ પર પોલીસકર્મીઓ, અર્ધલશ્કરી દળોના જવાનો અને પત્રકારો જોવા મળ્યા હતા.
દિલ્હીની સરહદો પર વાહનોની તપાસ કરવામાં આવી હતી. છેલ્લા 48 કલાકમાં સાવચેતીના ભાગરૂપે સેંકડો લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ પછી જંતર-મંતર નજીક પહોંચેલા પ્રદર્શનકારીઓનો સામનો મોટી સંખ્યામાં તહેનાત સુરક્ષાદળો સાથે થયો હતો.
સુરક્ષાની વ્યાપક વ્યવસ્થાને કારણે પ્રદર્શન અસરકારક રીતે આગળ વધી શક્યું નહોતું. જોકે, તેની અસર રાજધાનીની બહાર પણ જોવા મળી હતી.
પ્રદર્શનકારીઓની સામે દિલ્હી પોલીસની રણનીતિ
અગાઉ જુલાઈમાં પેપર લીકના વિરોધમાં થયેલા પ્રદર્શનો દરમિયાન સર્જાયેલી અફરાતફરી અને હિંસાની ઘટનાઓ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસના ધ્યાનમાં હતી. તે સમયે દિલ્હી પોલીસના આંતરિક મૂલ્યાંકનમાં જણાવાયું હતું કે પ્રદર્શનકારીઓની સંખ્યા અને તેમના એકઠા થવા અંગે પૂરતી તથા ચોક્કસ ગુપ્ત માહિતી મળી નહોતી.
આ વખતે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ તૈયારી સાથે જોવા મળી હતી. ‘જંતર-મંતર 2.0’ નામ આપવામાં આવેલા આ પ્રદર્શનની તૈયારી ઘણા દિવસોથી ચાલી રહી હતી. દિલ્હીમાં પ્રદર્શનની હાકલ કરતાં પહેલાં CJPએ મુંબઈ અને બેંગલુરુમાં પણ વિરોધ પ્રદર્શનો યોજ્યાં હતાં. આ બંને શહેરોમાં પ્રદર્શનો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયાં હતાં.
