Jasdan : ભડલી ગામ નજીક સ્વીફ્ટ કારમાંથી રૂ. 7.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

📅 Published: October 31, 2026 | 📂 Category: Crime

રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે ગઢડા-જસદણ હાઇવે રોડ પર આવેલા ભડલી ગામ અને ગઢાળા ચોકડી નજીક બાતમીના આધારે સઘન વાહન ચેકિંગ હાથ ધરીને શંકાસ્પદ સ્વીફ્ટ કારને રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,536 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના આ મોટા જથ્થા સાથે રાજસ્થાનના ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે શંકાસ્પદ સ્વીફ્ટ કારને અટકાવી 

રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે ગઢડા-જસદણ રોડ પર ભડલી ગામ નજીક આવેલી ગઢાળા ચોકડી પાસે નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ સ્વીફ્ટ કારને અટકાવી પોલીસે સઘન તલાશી લીધી હતી. 

વિદેશી દારૂની કુલ 1,536 બોટલોનો મોટો જથ્થો મળ્યો

કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,536 બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો તમામ જથ્થો પોતાના કબજે લીધો હતો. આ ગેરકાયદે હેરાફેરીમાં સામેલ ત્રણ આરોપીઓને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના સાંચોરનો 24 વર્ષીય પ્રવિણ ભંવરલાલ ડુડી, રાજસ્થાનના બ્યાવરનો 24 વર્ષીય પાયલ દિપક સેન અને સાંચોરનો 24 વર્ષીય રામનિવાસ સોનલાલ ખીચડ સામેલ છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.

કૈલાશ ધાયલ બિશ્નોઈ નામના શખ્સનું નામ ખુલ્યું

પોલીસ તપાસ દરમિયાન આ દારૂ પ્રકરણમાં અન્ય એક આરોપીની સંડોવણી પણ સામે આવી હતી. જેમાં રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા કૈલાશ ધાયલ બિશ્નોઈ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની 1,536 બોટલ, આરોપીઓ પાસેથી મળેલા ત્રણ મોબાઇલ ફોન અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વીફ્ટ કાર મળીને કુલ રૂ. 7,82,360નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની આ હેરાફેરી મામલે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જસદણ પોલીસે આ ગુના અંગે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરીને વોન્ટેડ આરોપી કૈલાશ બિશ્નોઈને ઝડપી લેવા માટે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ પણ વાંચો   :    PM Modi : પીએમ મોદીનું સંબોધન: ‘દિમાગી નક્સલ’ના ખતરાથી એલર્ટ રહેવાની જરૂર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *