Jensen Huang: Nvidiaના CEO જેન્સન હુઆંગના વધુ એક અફેરની ચર્ચા! કંપનીનાં વાઇસ પ્રેસિડન્ટ સાથે સંબંધનો દાવો

📅 Published: November 12, 2026 | 📂 Category: Business

વિશ્વની અગ્રણી AI ચિપ બનાવતી કંપની Nvidiaના CEO અને સહસ્થાપક જેન્સન હુઆંગ બે અલગ-અલગ કથિત અફેરને લઈને વિવાદમાં ઘેરાયા છે. એક તરફ ચીનની જાસૂસી એજન્સી સાથે કથિત સંબંધ ધરાવતી સિંગાપોરની ઉદ્યોગપતિ એલિસ હુઆંગ સાથેના સંબંધોને લઈને અમેરિકાની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે, તો બીજી તરફ Nvidiaનાં વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ સાથેના કથિત સંબંધોએ કંપનીની નીતિઓ સામે સવાલો ઊભા કર્યા છે. હવે સૌની નજર Nvidiaના બોર્ડ દ્વારા કરવામાં આવનારી તપાસ અને સંભવિત કાર્યવાહી પર છે.

ચીનની ગુપ્તચર એજન્સી સાથે કથિત સંબંધ ધરાવતી સિંગાપોરની ઉદ્યોગપતિ એલિસ હુઆંગ સાથેના સંબંધોને લઈને તેઓ પહેલેથી જ વિવાદમાં છે. હવે તેમના પર બીજી એક મહિલા સાથે કથિત અફેર હોવાનો આરોપ લાગ્યો છે. આ વખતે મહિલા કોઈ બહારની ઉદ્યોગપતિ નહીં, પરંતુ Nvidiaનાં જ વરિષ્ઠ અધિકારી અને કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ છે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના એક અહેવાલમાં બંને વચ્ચે કથિત સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જેન્સન હુઆંગ અને કિમ્બર્લી પોવેલ હોટલમાં એકસાથે મળ્યાં હોવાનો દાવો

‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, માર્ચ મહિનામાં કેલિફોર્નિયાના સેન જોસમાં Nvidiaની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ GTC યોજાઈ હતી. આ દરમિયાન એક હોટલમાં જેન્સન હુઆંગ અને કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ એકબીજાની નજીક જોવા મળ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અખબારે Nvidiaમાં અગાઉ કામ કરી ચૂકેલા પાંચ લોકો સાથેની વાતચીતના આધારે આ દાવો કર્યો છે. તેમાંથી બે ભૂતપૂર્વ કર્મચારીઓના જણાવ્યા અનુસાર, હોટલમાં બંને વચ્ચે થયેલી વાતચીત અને મુલાકાતનો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યો હતો. જોકે, ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’એ સ્પષ્ટ કર્યું છે કે તેણે આ વીડિયો ફૂટેજની સ્વતંત્ર રીતે ખરાઈ કરી નથી.

અહેવાલમાં એક બીજી મહત્ત્વની વાત પણ સામે આવી છે. જેન્સન હુઆંગ અને કિમ્બર્લી પોવેલ બંને પરિણીત છે. આથી તેમના કથિત સંબંધોને લઈને કંપનીની અંદર પણ ચર્ચાઓ થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વીડિયો બનાવનાર વ્યક્તિને NDA પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું?

આ સમગ્ર મામલામાં સૌથી રસપ્રદ બાબત હોટલમાં થયેલા કથિત વીડિયો રેકોર્ડિંગ સાથે જોડાયેલી છે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, GTC કોન્ફરન્સ દરમિયાન હુઆંગની સુરક્ષા ટીમે એક વ્યક્તિને બંનેની મુલાકાતનો વીડિયો બનાવતા જોઈ લીધો હતો.

ત્રણ લોકોના હવાલાથી અખબારે જણાવ્યું કે સુરક્ષા ટીમ તે વ્યક્તિને એક તરફ લઈ ગઈ હતી અને તેની પાસે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (NDA) પર સહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. NDA એટલે એક કાનૂની કરાર, જેના હેઠળ સંબંધિત વ્યક્તિ કેટલીક માહિતી જાહેર નહીં કરવાની સંમતિ આપે છે.

કોણ છે કિમ્બર્લી પોવેલ?

કિમ્બર્લી પોવેલ Nvidiaનાં વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ છે. તેઓ વર્ષ 2008થી કંપની સાથે જોડાયેલાં છે. હાલમાં તેઓ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ હેલ્થકેરના પદ પર કાર્યરત છે. તેમની જવાબદારી હેલ્થકેર અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં Nvidiaની ચિપ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની છે. ખાસ કરીને મેડિકલ ઇમેજિંગ અને આરોગ્ય સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ સાથે જોડાયેલા પ્રોજેક્ટ તેમની કામગીરીનો મહત્ત્વનો ભાગ છે.

પોવેલે કંપનીમાં ધીમે ધીમે અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, વર્ષ 2016માં તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિઝનેસ ડેવલપમેન્ટનાં સિનિયર ડિરેક્ટર બન્યાં હતાં. ત્યારબાદ વર્ષ 2017ના અંતમાં તેમને હેલ્થકેર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી કાર્યક્રમોમાં પણ Nvidiaનું પ્રતિનિધિત્વ કરતાં રહ્યાં છે.

માર્ચમાં યોજાયેલી GTC કોન્ફરન્સમાં તેમણે હેલ્થકેર અને બાયોલોજિકલ રિસર્ચ ક્ષેત્રે AIની સંભાવનાઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં Nvidiaના વડા જેન્સન હુઆંગનાં કાર્ટૂન ચિત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સવાલ પૂછવામાં આવતાં જેન્સન હુઆંગે શું જવાબ આપ્યો?

‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’એ બુધવારે જેન્સન હુઆંગને કિમ્બર્લી પોવેલ સાથેના તેમના કથિત સંબંધો અંગે સવાલ પૂછ્યો હતો. અહેવાલ અનુસાર, આ સવાલના જવાબમાં હુઆંગે કહ્યું હતું કે, “મને નથી લાગતું કે તમારે સીધી મારી સાથે વાત કરવી જોઈએ.” આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો હતો.

જોકે, અહેવાલમાં આ કથિત સંબંધો અંગે કિમ્બર્લી પોવેલ તરફથી આપવામાં આવેલા જવાબની વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી.

Nvidiaની પોતાની નીતિઓ સામે પણ સવાલો ઊભા થયા

આ નવા ખુલાસા બાદ Nvidiaની આંતરિક કામગીરી અને કર્મચારીઓ માટે બનાવવામાં આવેલી આચારસંહિતા (Code of Conduct) અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

કંપનીની આચારસંહિતા અનુસાર, કર્મચારીઓએ એવી પરિસ્થિતિઓથી દૂર રહેવું જોઈએ, જેમાં તેમના અંગત અથવા વ્યાવસાયિક વર્તનને કારણે હિતોનો ટકરાવ ઊભો થઈ શકે. તેમાં અંગત સંબંધો (Personal Relationships)નો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કંપનીના નિયમો મુજબ, કોઈપણ સંભવિત ગેરવર્તણૂક અંગે ફરિયાદ મળે તો તેની વહેલી તકે તપાસ થવી જોઈએ. આવી સ્થિતિમાં જો કંપનીના CEO અને તેમના હેઠળ કામ કરતાં કોઈ વરિષ્ઠ અધિકારી વચ્ચે કથિત સંબંધોની વાત સામે આવે, તો હિતોના ટકરાવ, કંપનીની અંદર જવાબદારી અને કાર્યસ્થળની નીતિઓ અંગે સવાલો ઊભા થઈ શકે છે.

હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે Nvidiaનું બોર્ડ શું વલણ અપનાવે છે અને કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *