ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલે શાનદાર બેટિંગ કરીને ભારતીય બોલરોની મુશ્કેલી વધારી દીધી.ગુહાટીમાં રમાયેલી આ મેચમાં ડાબોડી બેટરે માત્ર 29 બોલમાં અડધી સદી પૂરી કરી અને ત્યાર બાદ પોતાની ઇનિંગને શતકમાં ફેરવી દીધી.કેમ્પબેલે ભારતીય ઝડપી બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી.તેણે પ્રસિદ્ધ કૃષ્ણા,ઔકિબ નબી અને ગુરનૂર બરાડ સામે સતત મોટા શોટ ફટકાર્યા હતા.ભારતીય સ્પિન બોલરો કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પણ તેને રોકવામાં સફળ રહ્યા નહોતા.પ્રસિદ્ધ કૃષ્ણાના એક ઓવરમાં કેમ્પબેલે 22 રન ફટકાર્યા હતા. તેની બેટિંગમાં શોટની પસંદગી અને આક્રમકતા બંને જોવા મળી હતી. આ શતક સાથે તેણે લાંબા સમય બાદ ODI ક્રિકેટમાં મોટી ઇનિંગ રમી છે.
બ્લડ સેમ્પલ ન આપતાં લાગ્યો હતો પ્રતિબંધ
જોન કેમ્પબેલની ક્રિકેટ કારકિર્દીમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તેમના પર લાંબા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.એપ્રિલ 2022માં તેમણે ડોપિંગ નિયંત્રણ અધિકારીઓને બ્લડ સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો.આ ઘટનાના પગલે જમૈકા એન્ટી-ડોપિંગ કમિશને તેમના પર 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, કેમ્પબેલે આ નિર્ણય સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં અપીલ કરી હતી.અપીલ બાદ તેમનો પ્રતિબંધ ઘટાડીને 22 મહિના કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ ઓગસ્ટ 2024માં તેમનો પ્રતિબંધ પૂર્ણ થયો અને તેમણે ફરીથી ક્રિકેટના મેદાન પર વાપસી કરી.આ ઘટનાએ તેમની કારકિર્દી પર મોટો પડકાર ઊભો કર્યો હતો, પરંતુ કેમ્પબેલે ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કરીને ફરી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સ્થાન બનાવ્યું.
પ્રતિબંધ બાદ પણ થયો હતો વધુ વિવાદ
પ્રતિબંધ પૂરો થયા બાદ પણ કેમ્પબેલ સાથે જોડાયેલી એક બીજી ઘટના ચર્ચામાં આવી હતી. સુપર 50 ટૂર્નામેન્ટની ફાઇનલમાં તેઓ ટોસ માટે હાજર રહ્યા નહોતા.ત્યાર બાદ તેમના પર વધુ 4 મેચનું સસ્પેન્શન મૂકવામાં આવ્યું હતું.જોકે પછીથી આ સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.આ રીતે કેમ્પબેલની ક્રિકેટ કારકિર્દીમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે મેદાનની બહારની ઘટનાઓને કારણે તેમને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.
ઘરેલુ ક્રિકેટમાં શાનદાર વાપસી
જોન કેમ્પબેલે વાપસી બાદ ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કર્યો અને તેના આધારે ફરી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સ્થાન મેળવ્યું.વાપસી બાદ તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે પણ સદી ફટકારી હતી.હવે ODI ક્રિકેટમાં પણ તેમણે ભારત સામે શાનદાર શતક ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. ખાસ વાત એ છે કે કેમ્પબેલે લગભગ 7 વર્ષ બાદ ODI ક્રિકેટમાં સદી ફટકારી છે. તેમની અગાઉની ODI સદી 2019માં આયર્લેન્ડ સામે આવી હતી.આ રીતે પ્રતિબંધ,લાંબો વિરામ અને વાપસી બાદ જ્હોન કેમ્પબેલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. ભારત સામેની આ ઇનિંગ તેમના માટે ખાસ બની છે, કારણ કે લાંબા સમય બાદ ODIમાં સદી ફટકારીને તેમણે વેસ્ટ ઈન્ડિઝને મજબૂત શરૂઆત અપાવી છે.
આ પણ વાંચો – Chief Selector : અગરકરની વિદાયની ચર્ચા વચ્ચે પ્રજ્ઞાન ઓઝાની સરપ્રાઈઝ એન્ટ્રી!
