Junagadh સિવિલ હોસ્પિટલના સાતમા માળેથી કૂદીને મહિલાએ કર્યો આપઘાત!

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં એકલી સારવાર અર્થે આવેલી એક મહિલાએ સાતમા માળેથી નીચે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. ઉંચાઈ પરથી કૂદકો મારતાં જ ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર અને ત્યાં હાજર દર્દીઓ તેમજ સગા-સંબંધીઓમાં ભારે અરેરાટી અને સનસનાટી વ્યાપી ગઈ હતી.

“દીકરા મને જીવવું ગમતું નહતું…” : અંતિમ ચિઠ્ઠી 

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા પાસેથી કરૂણ આપઘાત નોંધ (સુસાઈડ નોટ) મળી આવી છે. ચિઠ્ઠીમાં મહિલાએ પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે, “દીકરા મને જીવવું ગમતું નહતું, મને માનસિક વધી ગયું હતું, ચીકુનું ધ્યાન રાખજે”. આ ઉપરાંત, મહિલા પાસેથી મળી આવેલી અન્ય એક ચિઠ્ઠીમાં તેમણે પોતાનું ઘરનું સરનામું અને પુત્રોના મોબાઈલ નંબર લખેલા હતા. માનસિક બીમારી અને અસહ્ય તણાવથી કંટાળીને મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી 

ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મહિલા પાસેથી મળેલી ચિઠ્ઠી અને મોબાઈલ નંબરના આધારે પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસે આપઘાતનો ગુનો નોંધી, મહિલા સિવિલ હોસ્પિટલમાં ક્યારે આવી હતી અને સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તે દિશામાં સીસીટીવી (CCTV) ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ સાથે આગળની તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *