જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડાથી સ્થાનિક પોલીસ બેડા સહિત અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચોરવાડમાં મોટા પાયે ચાલી રહેલા ધસમસતા જુગારધામ પર SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 42 જેટલા અસામાજિક જુગારીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી.
3.72 લાખની રોકડ અને વાહનો સહિતનો જથ્થો જપ્ત
આ દરોડા દરમિયાન પોલીસે જુગારના અડ્ડા પરથી સ્થળ પર રમાઈ રહેલી રૂ. 3.72 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. આ ઉપરાંત, જુગારીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 11 બાઈક, કાર તેમજ અન્ય સાધન-સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCની આ અચાનક કાર્યવાહીથી જુગારધામ પર ભાગદોડનો માહોલ સર્જાયો હતો.

ત્રણ રીઢા ભાગીદારો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા
આટલી મોટી સફળતા વચ્ચે પણ જુગારધામ ચલાવતા મુખ્ય ત્રણ રીઢા ભાગીદારો દરોડા દરમિયાન પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. SMC પોલીસે આ ભાગી છૂટેલા ત્રણેય મુખ્ય સૂત્રધારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે શોધખોળની તજવીજ હાથ ધરી છે.

સ્થાનિક પોલીસની નિષ્ફળતા અને કામગીરી સામે ગંભીર સવાલો
સ્થાનિક ચોરવાડ પોલીસના નાક નીચે આટલું મોટું જુગારધામ ધમધમી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી અને ગાંધીનગર SMCની ટીમે આવીને દરોડો પાડવો પડ્યો, તેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ તંત્રની ઘોર નિષ્ફળતા છતી થતાં વહીવટી સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: Junagadhના ઉપરકોટ કિલ્લામાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ખુલ્લો મુકાયો
