જૂનાગઢમાં અસામાજિક તત્વો અને નશાના કારોબાર સામે જિલ્લા પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવતા ખામધ્રોળ રોડ પાસેથી લાખો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. નશાનો આ જથ્થો બજારમાં સગેવગે થાય તે પહેલા જ પોલીસની ટીમે સમયસર રેડ કરીને આરોપીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
29.634 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો સકંજામાં
પ્રાપ્ત વિગતો અનુસાર, SOG ની ટીમે ખામધ્રોળ રોડ નજીકથી શંકાસ્પદ વાહન અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કુલ 29.634 કિલોગ્રામ વજનનો શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે સ્થળ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
16.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર કે અન્ય સ્થળોથી નશાના કારોબારના રેકેટ વચ્ચે જૂનાગઢ SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 14.81 લાખ રૂપિયાની કિંમતનો ગાંજો તથા અન્ય વાહન સહિત કુલ 16.12 લાખ રૂપિયાનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરો અને નશાનો કારોબાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મુખ્ય આરોપીની શોધખોળ અને તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો
આ ડ્રગ્સ કેસમાં પકડાયેલા શખ્સોની પૂછપરછના આધારે અન્ય સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અને શખ્સોની શોધખોળ માટે SOG અને સ્થાનિક પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Junagadh News: વિસાવદરના કુબા રાવણી પાસે અકસ્માત, બે માસિયા ભાઈના મોત!
