Kainat Imtiazએ નિવૃત્તિ જાહેર કરી ક્રિકેટ જગતને ચોંકાવ્યું

📅 Published: October 4, 2026 | 📂 Category: cricket

પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર કાઇનાત ઇમ્તિયાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.જમણા હાથની ફાસ્ટ બોલરે 13 વર્ષ સુધી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું.આ દરમિયાન તેમણે 19 વનડે અને 21 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી.વનડે ક્રિકેટમાં કાયનાતે 10 વિકેટ સાથે 134 રન બનાવ્યા હતા.જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના નામે 8 વિકેટ અને 137 રન નોંધાયેલા છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ પણ તેમણે ક્રિકેટ સાથેનો સંબંધ તોડ્યો નથી.હવે તેમણે મેચ રેફરી તરીકે નવી ઇનિંગ્સ શરૂ કરી છે.

હવે ખેલાડી નહીં, મેચ રેફરીની ભૂમિકામાં જોવા મળશે

34 વર્ષની કાયનાત ઇમ્તિયાઝે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે દૂર થવાનો નિર્ણય લીધો નથી. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાયેલી નેશનલ મહિલા U-19 T20 ટુર્નામેન્ટમાં તેમણે મેચ રેફરી તરીકે જવાબદારી સંભાળી હતી.આ નવી ભૂમિકા સાથે કાયનાત હવે મેદાન પર ખેલાડી તરીકે નહીં પરંતુ મેચ અધિકારી તરીકે જોવા મળશે. 13 વર્ષ સુધી પાકિસ્તાનની જર્સી પહેર્યા બાદ ક્રિકેટ સાથે જોડાયેલા રહેવાનો આ તેમના માટે નવો રસ્તો છે.

2 વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

કાયનાત ઇમ્તિયાઝના આંતરરાષ્ટ્રીય કરિયરની સૌથી મોટી સિદ્ધિઓમાં એશિયન ગેમ્સના 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.તેઓ 2010માં ગ્વાંગઝૂમાં અને 2014માં ઇંચિયોનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પાકિસ્તાનની ગોલ્ડ મેડલ વિજેતા મહિલા ક્રિકેટ ટીમનો ભાગ રહી હતી.આ ઉપરાંત કાયનાતે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2017ના મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં પણ તેમને પાકિસ્તાન તરફથી રમવાની તક મળી હતી. આ ટુર્નામેન્ટમાં તેમણે 4 મેચ રમી હતી.

2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ

કાઇનાત ઇમ્તિયાઝે ઓક્ટોબર 2010માં દક્ષિણ આફ્રિકા સામે પોટચેફસ્ટ્રૂમમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેઓ પાકિસ્તાન માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર 22મી મહિલા ખેલાડી બન્યા હતા.ત્યારબાદ તેમણે વનડે ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો. બાંગ્લાદેશના ફતુલ્લાહમાં આયર્લેન્ડ સામે તેમણે વનડે ડેબ્યૂ કર્યું હતું. આ સાથે તેઓ પાકિસ્તાન માટે વનડે રમનાર 64મી મહિલા ક્રિકેટર બન્યા હતા.તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023માં આવી હતી. જાન્યુઆરી 2023માં ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે રમાયેલી વનડે તેમની છેલ્લી ODI મેચ હતી. જ્યારે ઓક્ટોબર 2022માં થાઈલેન્ડ સામે સિલહટમાં રમાયેલી મેચ તેમની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રહી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પહેલાં પણ લાંબી સફર

કાઇનાત ઇમ્તિયાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરતા ઘણા વર્ષો પહેલાં જ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું હતું.ફેબ્રુઆરી 2007માં તેમણે PCBની નેશનલ સ્કૂલ્સ U-17 મહિલા ચેમ્પિયનશિપમાં કરાચી સ્કૂલ્સ U-17 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ માર્ચ 2008માં તેમણે ઘરેલુ લિસ્ટ-A ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું.2008માં જ તેમણે ઘરેલુ T20 ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો હતો. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચતા પહેલાં તેમણે જુનિયર અને ઘરેલુ ક્રિકેટમાં લાંબો અનુભવ મેળવ્યો હતો.

કાઇનાતની માતાએ પણ બનાવ્યો ઈતિહાસ

કાઇનાત ઇમ્તિયાઝ માટે ક્રિકેટ માત્ર કરિયર નથી, પરંતુ પરિવાર સાથે જોડાયેલી રમત પણ છે. તેમની માતા સલીમા ઇમ્તિયાઝે પણ પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વપૂર્ણ ઓળખ બનાવી છે.સલીમા 2024માં ICC ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પેનલમાં નિયુક્ત થનારી પાકિસ્તાનની પ્રથમ મહિલા અમ્પાયર બની હતી. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમ્પાયર તરીકે પોતાની ઓળખ બનાવી.સલીમા અત્યાર સુધી 9 મહિલા વનડે અને 69 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરી ચૂકી છે.હવે કાયનાતે પણ ખેલાડી તરીકેની પોતાની સફર બાદ મેચ રેફરી તરીકે નવી ભૂમિકા સ્વીકારી છે. 13 વર્ષ સુધી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યા બાદ તેમની નવી ઇનિંગ્સ ક્રિકેટ સાથેનો તેમનો સંબંધ આગળ પણ જાળવી રાખશે.

આ પણ વાંચો – Virat Kohliની સતત ત્રણ વનડેમાં એક સરખી ભૂલ બની ચર્ચાનો વિષય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *