Kanpur : કરોડપતિ દવા વેપારીની હત્યામાં સનસનીખેજ ખુલાસો, વહુએ ગૂગલ પર શોધ્યું- હત્યાને આત્મહત્યા કેવી રીતે દેખાડવી?

📅 Published: September 15, 2026 | 📂 Category: India National

કાનપુરના કરોડપતિ દવા વેપારી વિનિત મિનોચા હત્યાકાંડમાં પોલીસ તપાસ આગળ વધતા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યા પહેલાં આરોપી વહુ શાલૂએ મોબાઇલ પર ગૂગલ સર્ચ કર્યું હતું કે કોઈ વ્યક્તિની હત્યા કેવી રીતે કરવી જેથી ઘટના હત્યા નહીં પરંતુ આત્મહત્યા જેવી લાગે.

1,000 પાનાના CDRથી ખુલશે રહસ્ય

પોલીસે વેપારીના પુત્ર સુબ્રત, શાલૂ અને મુખ્ય આરોપી વિશાલના કુલ 7 મોબાઇલ નંબરના આશરે 1,000 પાનાના કોલ ડેટા રેકોર્ડ મેળવ્યા છે. આ રેકોર્ડમાં 1 મે થી 6 સપ્ટેમ્બર સુધીની કોલ ડિટેલનો સમાવેશ થાય છે. ડીસીપી કાસિમ આબિદીએ મીડિયાને જણાવ્યું કે હત્યા પહેલાં અને પછી કોની સાથે કેટલી વાતચીત થઈ તેની તપાસ ચાલી રહી છે.

હત્યા પહેલાં ચાકુ અંગે પણ સર્ચ

તપાસમાં વિશાલ ઉર્ફે શુભમ ઉર્ફે શિવમના મોબાઇલની ગૂગલ હિસ્ટ્રી પણ સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યાના એક દિવસ પહેલાં તેણે ધારદાર ચાકુ ક્યાં મળે, ચાકુની કેટલી ધાર હોય છે અને ચાકુના કયા પ્રકાર હોય છે તે અંગે સર્ચ કર્યું હતું.

નવા સિમથી ત્રણ કોલ, હત્યા બાદ ટેક્સી બુકિંગ

પોલીસના જણાવ્યા મુજબ, વિશાલે હત્યાની યોજના બાદ ઘટનાના 2 દિવસ પહેલાં જૂનો સિમ બંધ કરી નવો નંબર લીધો હતો. આ નવા નંબરથી તે સુબ્રત અને શાલૂના સંપર્કમાં હતો. હત્યાના દિવસે સુબ્રતે વિશાલને 25 વખત અને શાલૂએ 14 વખત ફોન કર્યો હતો. હત્યા બાદ વિશાલે ઓનલાઇન ટેક્સી બુક કરવા માટે કોલ કર્યો હતો અને ત્યારબાદ મિત્ર નૈતિક સાથે પણ વાતચીત કરી હતી.

સુબ્રત પણ પોલીસની તપાસના ઘેરામાં

1 મે થી 5 સપ્ટેમ્બર સુધી સુબ્રત અને વિશાલ વચ્ચે આશરે 309 વખત વાતચીત થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વિશાલને અગાઉ ચોરીના આરોપમાં વિનિત મિનોચાએ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, છતાં તે સુબ્રતના સંપર્કમાં રહ્યો હતો. હવે પોલીસ કોલ રેકોર્ડ, સીસીટીવી અને આરોપીઓના નિવેદનોનું મિલાન કરી રહી છે.

રિમાન્ડ માટે કોર્ટમાં અરજી

પોલીસે શાલૂ અને વિશાલના કસ્ટડી રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરી છે. રિમાન્ડ મળ્યા બાદ બંનેનો સામનો કરાવી હત્યાના કાવતરાની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. વિનિત મિનોચાની 5 સપ્ટેમ્બરની રાત્રે ફ્લેટમાં ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં શાલૂ, વિશાલ અને તેનો સાથી રાજકિશોર જેલમાં બંધ છે.

સંપત્તિ વિવાદ અને લાલચના એંગલથી પણ તપાસ 

પોલીસ સંપત્તિ વિવાદ અને લાલચના એંગલથી પણ તપાસ કરી રહી છે. વિનિત મિનોચા ‘ફાર્મા ટ્રેડર્સ’ નામે દવાની ફર્મ ચલાવતા હતા, જેનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ.50થી 60 કરોડ હોવાનું જણાવાય છે. 2022માં બનાવેલી તેમની વસીયત પણ તપાસના દાયરામાં છે.  

આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *