Karnataka: BJP ધારાસભ્યની પુત્રીના થપ્પડનો જવાબ મહિલા SI એ થપ્પડથી જ આપ્યો, VIDEO

📅 Published: August 25, 2026 | 📂 Category: India National

કર્ણાટકના શ્રીરંગપટ્ટણ ખાતે આવેલા એક પ્રખ્યાત મંદિરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં ભાજપના એક ધારાસભ્યની પુત્રીએ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલી ફરજ પરની મહિલા પોલીસ અધિકારીને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે રાજકીય અને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

ધારાસભ્યની પુત્રીએ મહિલા PSIને મારી થપ્પડ

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 12 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 8.15 વાગ્યે બની હતી. તે દિવસે ‘ભીમ અમાવસ્યા’ની પવિત્ર ઉજવણી હોવાને કારણે મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ એકઠી થઈ હતી. તુમકુર ગ્રામીણ વિસ્તારના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યા પણ તે સમયે મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. ઐશ્વર્યા સીધી જ ગર્ભગૃહમાં પ્રવેશવા માંગતી હતી, પરંતુ ભારે ભીડ અને સુરક્ષાના નિયમોને કારણે ડ્યુટી પર હાજર મહિલા પોલીસ અધિકારીએ તેને તાત્કાલિક અંદર જવાની મંજૂરી આપી ન હતી.

ચર્ચા કરતા કરતા આવેશમાં આવી ચોડી દીધો લાફો

આ સામાન્ય બાબત પરથી મામલો વણસ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધારાસભ્ય બી. સુરેશ ગૌડા, તેમની પુત્રી ઐશ્વર્યા અને મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સવિતા પાટીલ મંદિર પરિસરમાં ચર્ચા કરી રહ્યા છે. અચાનક જ આવેશમાં આવીને ધારાસભ્યની પુત્રી ઐશ્વર્યા મહિલા પોલીસ અધિકારીને થપ્પડ મારી દે છે, જેના જવાબમાં અધિકારી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવે છે. આસપાસ હાજર અન્ય ભક્તો અને લોકોએ તાત્કાલિક વચ્ચે પડીને મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

ધારાસભ્યની પુત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

આ મામલે મંડ્યા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ સવિતા પાટીલે ધારાસભ્યની પુત્રી ઐશ્વર્યા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. જેમાં સ્પષ્ટ આરોપ લગાવવામાં આવ્યો છે કે ઐશ્વર્યાએ પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરી, તેમને થપ્પડ મારી અને સરકારી ફરજમાં અડચણ ઊભી કરી છે.

વીઆઈપી સંસ્કૃતિ અને કાયદા સામે સવાલો 

બીજી બાજુ, આ વિવાદ વધતો જોઈને ધારાસભ્ય બી. સુરેશ ગૌડાએ તરત જ માફી માંગી લીધી હતી. જો કે, તેમણે પોતાની સફાઈ આપતા મહિલા અધિકારી પર પણ પુત્રી સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. ગૌડાએ નિવેદન આપ્યું હતું કે તેમની પુત્રી માત્ર ગર્ભગૃહમાં દર્શન કરવા માંગતી હતી, પરંતુ પોલીસકર્મીના અયોગ્ય વર્તનને કારણે આ ઝઘડો શરૂ થયો હતો. આ ઘટનાએ ધાર્મિક સ્થળો પર વીઆઈપી સંસ્કૃતિ અને કાયદાના અમલીકરણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ Volkswagen Layoffs: 1 લાખ કર્મચારીઓની નોકરી જોખમમાં, ફોક્સવેગન કરશે મોટા પાયે છટણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *