Kavya Maran બની અનિરુદ્ધની દુલ્હન! ગ્રીસમાં શાહી લગ્ન, પહેલી તસવીરે ચાહકોનાં દિલ જીત્યાં

📅 Published: November 11, 2026 | 📂 Category: cricket

IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની સહમાલિક કાવ્યા મારન અને જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે. લાંબા સમયથી બંનેના સંબંધો અને લગ્નની અટકળો ચાલી રહી હતી. આખરે 11 નવેમ્બરે ગ્રીસમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો. લગ્ન બાદ અનિરુદ્ધે સોશિયલ મીડિયા પર પહેલી તસવીર શેર કરી હતી, જે સામે આવતાં જ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

ગ્રીસમાં યોજાયાં ભવ્ય લગ્ન

અનિરુદ્ધ અને કાવ્યાના લગ્નનો જશ્ન 10 અને 11 નવેમ્બર એમ બે દિવસ સુધી ગ્રીસમાં ચાલ્યો હતો. આ સમારોહમાં પરિવારના સભ્યો ઉપરાંત ફિલ્મ, રાજકારણ અને અન્ય ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. અનિરુદ્ધે લગ્નની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું, ‘મારી જિંદગીની એક એવી ક્ષણ, જે આખી જિંદગી માટે છે – 11.11.’ તસવીરમાં બંને સાથે ઊભેલાં જોવા મળે છે. અનિરુદ્ધે આઇવરી રંગનો પરંપરાગત પોશાક પહેર્યો હતો, જ્યારે કાવ્યા ગુલાબી રંગના ભરતકામવાળા લહેંગામાં જોવા મળી હતી. 

રજનીકાંત અને એમ.કે. સ્ટાલિન પણ પહોંચ્યા

આ લગ્ન સમારોહમાં દક્ષિણ ભારતીય ફિલ્મ જગત અને રાજકારણની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. સુપરસ્ટાર રજનીકાંત પરિવાર સાથે ગ્રીસ પહોંચ્યા હતા. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK નેતા એમ.કે. સ્ટાલિન પણ પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા. લગ્નની અંદરની એક તસવીર પણ સામે આવી છે, જેમાં રજનીકાંત, તેમની પત્ની લતા રજનીકાંત અને એમ.કે. સ્ટાલિન સહિતના મહેમાનો જોવા મળે છે. આ તસવીર ફિલ્મ નિર્માતા એ.વી. સુરેશે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

21 નવેમ્બરે ચેન્નાઈમાં ભવ્ય સ્વાગત સમારોહ

ગ્રીસમાં લગ્ન કર્યા બાદ બંને પરિવાર 21 નવેમ્બરે ચેન્નાઈમાં ભવ્ય સ્વાગત સમારોહ યોજવાના છે. આ તારીખની પુષ્ટિ તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી. કાવ્યાના માતા-પિતા કલાનિધિ મારન અને કાવેરી મારને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને મળીને સમારોહનું આમંત્રણ આપ્યું હતું. અહેવાલો અનુસાર, આ સમારોહમાં રાજકીય, ફિલ્મ અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રજનીકાંત, એ.આર. રહેમાન, કમલ હાસન અને ધનુષ સહિતના નામ આમંત્રિત મહેમાનોની યાદીમાં હોવાની ચર્ચા છે. જોકે, આ તમામ મહેમાનોની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

કોણ છે અનિરુદ્ધ અને કાવ્યા મારન?

અનિરુદ્ધ રવિચંદરને ‘વાય ધિસ કોલાવેરી ડી’ ગીતથી દેશભરમાં ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણે ‘જેલર’, ‘વિક્રમ’, ‘લીયો’, ‘જવાન’ અને અન્ય ઘણી મોટી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેઓ રજનીકાંત, વિજય, ધનુષ અને શાહરુખ ખાન જેવા કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે. બીજી તરફ, કાવ્યા મારન સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે. તેઓ સન ટીવી નેટવર્કમાં ડિરેક્ટર અને IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનાં CEO છે. IPL દરમિયાન ટીમને પ્રોત્સાહન આપતી તેમની તસવીરોને કારણે તેઓ ક્રિકેટ ચાહકોમાં પણ ખૂબ જાણીતા છે.

બંનેના સંબંધોની ચર્ચા 2025થી શરૂ થઈ હતી. જોકે, અનિરુદ્ધે અગાઉ લગ્નની અફવાઓને નકારી હતી. હવે ગ્રીસમાં લગ્નની પહેલી તસવીર સામે આવતાં આ ચર્ચાઓનો અંત આવ્યો છે. 

આ પણ વાંચો: Arshdeep Singhનો ડબલ ધમાકો! એક જ દિવસે સગાઈ અને ₹18 કરોડની IPL ડીલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *