Khambhat : 12 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી આશીફ રૂપાલ હથિયાર સાથે આખરે ઝડપાયો

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

આણંદ જિલ્લાના ખંભાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો કુખ્યાત રીઢો ગુનેગાર આશીફ રૂપાલ દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે પોલીસ સકંજામાં આવી ગયો છે. ખંભાતના નગરા રોડ પરથી આણંદ એલસીબી પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ અનેક ગંભીર અપરાધોમાં સામેલ આ શખ્સ પાંચ પોલીસ સ્ટેશનના 12 ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ હતો.

આશીફ રૂપાલને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો

આણંદ એલસીબી પોલીસની ટીમે ખંભાતના નગરા રોડ પરથી કુખ્યાત રીઢા ગુનેગાર આશીફ રૂપાલને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે તેની પાસેથી ગેરકાયદે રાખેલી એક દેશી પિસ્તોલ તેમજ જીવતા કારતુસ કબજે કર્યા છે. એલસીબી પોલીસે હથિયાર અને કારતુસ મળીને કુલ રૂ. 85,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અનેક ગંભીર પ્રકારના અપરાધોમાં સીધી રીતે સામેલ

ખંભાત પંથકમાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો આ કુખ્યાત હથિયારધારી આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. પકડાયેલો આ શખ્સ અગાઉ પણ અનેક ગંભીર પ્રકારના અપરાધોમાં સીધી રીતે સામેલ રહ્યો છે.

આશીફ રૂપાલ અગાઉ 48 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો

પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે ઝડપાયેલો રીઢો આરોપી આશીફ રૂપાલ અગાઉ 48 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. આ ઉપરાંત તે પાંચ પોલીસ સ્ટેશનના 12 જેટલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હતો. આરોપી આશીફ રૂપાલ સાયલેન્સર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. અનેક ગુનાઓમાં વોન્ટેડ રહેલા આ અસામાજિક તત્ત્વની ધરપકડથી ગુનાખોરી પર મોટી અસર પડશે.

પિસ્તોલ સપ્લાય કરનાર ઈરફાન મન્સુરીની શોધખોળ 

આરોપીની વધુ પૂછપરછ દરમિયાન એ બાબત સામે આવી છે કે તેને દેશી પિસ્તોલ ઈરફાન મન્સુરી નામના શખ્સે સપ્લાય કરી હતી. આથી પિસ્તોલ સપ્લાય કરનાર ઈરફાન મન્સુરીને ઝડપી પાડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે પકડાયેલા આ કુખ્યાત આરોપીના રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ પોલીસે હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને ફરાર સપ્લાયરની શોધખોળ સહિતની આગળની તપાસ વધુ તેજ બનાવી છે. 

આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો

                                

                                +


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *