સતલાસણા-ખેરાલુ હાઈવે પર મોડી રાત્રે કાળજું કંપાવી દેનારો ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સતલાસણા તાલુકાના શાહુપુરા કંપા નજીક રસ્તાની સાઈડમાં ઊભેલા એક ડમ્પર પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું અન્ય એક ડમ્પર ધડાકાભેર ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે પાછળથી ટકરાયેલા ડમ્પરના આગળના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ડ્રાઈવર લોખંડના દબાયેલા પતરાં વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ પતરાં કાપીને આશરે 30 મિનિટ સુધી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ડ્રાઈવરને લોહીલુહાણ હાલતમાં જીવતો બહાર કાઢ્યો હતો.
ધડાકાભેર અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા
હાઈવે પર મધરાતે સર્જાયેલી આ હોનારતની ચોંકાવનારી વિગતો, સતલાસણા-ખેરાલુ હાઈવે પર શાહુપુરા કંપા પાસે એક ભારેખમ ડમ્પર ઊભું હતું.તે દરમિયાન પાછળથી બેફામ ગતિએ ધસી આવેલા અન્ય ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતાં તે સીધું જ ઊભેલા ડમ્પરના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાયું હતું.વિસ્ફોટ જેવો પ્રચંડ અવાજ આવતાં જ આસપાસના ગ્રામજનો, કંપાના રહીશો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પતરાં કાપીને 30 મિનિટે ડ્રાઈવરને બહાર કઢાયો
ટક્કર બાદ ડમ્પરના કેબિનની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. આગળનો ભાગ સંપૂર્ણપણે ચગદાઈ જતાં ડમ્પરનો ડ્રાઈવર સ્ટીયરિંગ અને લોખંડના પતરાં વચ્ચે ફસાઈને દર્દથી કણસવા લાગ્યો હતો.સ્થાનિક લોકોએ જરાય સમય ગુમાવ્યા વિના લોખંડના પતરાં, પાઇપો અને સાધનો વડે કેબિનના દબાયેલા હિસ્સાને તોડી-કાપીને રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને લગભગ અડધા કલાક (30 મિનિટ) ના સંઘર્ષ બાદ ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત ચાલકને પ્રાથમિક સારવાર આપી તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Rajkot: મોરબી રોડ પર મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ; ફાયરની 4 ગાડીઓએ કાબૂ મેળવ્યો
