Kutch : ચોમાસામાં પણ તરસ્યા રહેલા અબડાસા સહિતના વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે CMને પત્ર

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

કચ્છના અબડાસા તાલુકામાં ચોમાસાની સીઝન દરમિયાન પણ અપૂરતા વરસાદને કારણે અછત જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાનો મુદ્દો સામે આવ્યો છે. ચોમાસાના બે મહિના પસાર થવા છતાં પૂરતો વરસાદ ન પડતાં ખેતી, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અબડાસા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખીને અબડાસા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. પત્રમાં અપૂરતા વરસાદને કારણે વિસ્તારમાં ઘાસચારા અને પીવાના પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.

તાત્કાલિક સર્વે કરાવવાની લેખિત માગ 

અબડાસા સાથે લખપત અને નખત્રાણા તાલુકામાં પણ વરસાદની સ્થિતિને લઈને તાત્કાલિક સર્વે કરાવવાની લેખિત માગ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકો માટે કેટલ કેમ્પ શરૂ કરવા અને ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

પશુપાલન લોકોની આજીવિકાનો મહત્વનો આધાર 

કચ્છના સરહદી અને સૂકા વિસ્તારોમાં પશુપાલન લોકોની આજીવિકાનો મહત્વનો આધાર છે. ત્યારે પૂરતા વરસાદના અભાવે પાણીના સ્ત્રોત, ચરિયાણ અને ઘાસચારા પર અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગામી સમયમાં વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

રાહત પગલાં લેવા જરુરી

સરકાર દ્વારા અબડાસા, લખપત અને નખત્રાણામાં સર્વે કરાવી વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે અને જરૂરિયાત મુજબ રાહત પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી છે. 

આ પણ વાંચો  :      Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *